અમદાવાદમાં 17મીથી ગુજરાત ટી.ટી. લીગનું આયોજન
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અમદાવાદમાં 17થી ર1 ઓગસ્ટ દરમિયાન ટેબલ ટેનિસ લીગનું આયોજન કરશે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલ `એરેના બાય ટ્રાન્સ સ્ટેડિયા' ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસની ટી.ટી. ઈવેન્ટમાં ગુજરાત અને સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે અને 32 મેચમાં તેમની વચ્ચે રસાકસીભર્યા મુકાબલા થશે.આ લીગનું આયોજન અન્ય કોઈ પ્રોફેશનલ લીગ મેચોની જેમ જ કરવામાં આવે છે, જેમાં સ્થાનિક વ્યાવસાયિક સમુદાયો ટીમોની રચના કરવા માટે યોગદાન આપે છે અને ખેલાડીઓની હરાજી કરવામાં આવે છે. આ ફ્રેન્ચાઈઝીએ હરાજીના માધ્યમથી રૂ.રર લાખની કુલ રકમમાંથી ખેલાડીઓને ખરીદ્યા છે.ફ્રેન્ચાઈઝીના માલિકો દ્વારા પ્રાયોજીત આઠ ટીમો આ લીગમાં ભાગ લેશે. ભાયાણી સ્ટાર્સ (ભાવનગર), કટારિયા કિંગ્સ (અમદાવાદ), મલ્ટિમેટ માર્વેલ્સ (અમદાવાદ), શામલ સ્કવોડ (સુરત), તાપ્તિ ટાઈગર્સ (સુરત), આ વર્લ્ડ રોયલ્સ (ગાંધીનગર), ટોપ નોચ અચીવર્સ (આણંદ) તથા વિન એશિયા ડેઝલર્સ (કચ્છ)ની ટીમનો સમાવેશ થાય છે. તેમ જીએસટીટીવેના અધ્યક્ષ વિપુલ મિત્રાએ જણાવ્યુ હતું.