બાળકો-શિક્ષકોની યાદમાં અંજારમાં બને છે સ્મારક

બાળકો-શિક્ષકોની યાદમાં અંજારમાં બને છે સ્મારક
ભુજ, તા. 1 : રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે  અંજાર ખાતે નિર્માણાધીન વીર બાળ સ્મારકની મુલાકાત લીધી હતી. આ તકે પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહીરે પણ મુખ્ય સચિવ સાથે સ્મારકના નિમાર્ણકાર્યની સમીક્ષા કરી હતી.સ્મારકના દરેક વિભાગની મુલાકાત લઈને કેટલું કાર્ય પૂર્ણ થયું છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂકંપમાં એક રેલી દરમિયાન બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ કર્મીઓનું મૃત્યુ થયું હતું. આમ, સ્મારક કુલ 185 બાળક, શિક્ષક અને અન્ય સ્ટાફ કર્મચારીઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે. મુખ્ય સચિવે સ્મારકનું કાર્ય વહેલીતકે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.  બાળકોની સ્મૃતિમાં મોન્યુમેન્ટ બિલ્ડિંગ પણ તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત, સિમ્યુલેટરની મદદથી ભૂકંપની અનુભૂતિ થઈ શકે એવો કક્ષ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઓડિટોરિયમ, ગાર્ડન, મ્યુઝિયમ, કેન્ટીન બિલ્ડિંગ જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથે રૂા. 15 કરોડના ખર્ચે આ સ્મારક આકાર લઈ    રહ્યું છે. જિલ્લા કલેકટર  પ્રવીણા ડી.કે, અંજાર પ્રાંત અધિકારી  મેહુલ દેસાઈ, નખત્રાણા પ્રાંત અધિકારી  મેહુલ બરાસરા, માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર વી.એન.વાઘેલા, અંજાર મામલતદાર  અફઝલ મંડોરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન મુખ્ય સચિવ પંકજ કુમારે ચાંદરાણી ખાતે સરહદ ડેરીના નવનિર્મિત પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેઓએ આ પ્લાન્ટના વિવિધ અત્યાધુનિક એકમોની મુલાકાત લઈને વિગતો મેળવી હતી. સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2022 Saurashtra Trust