કચ્છીઓએ એક જ દિવસે નવી 150 મોટર ખરીદી

કચ્છીઓએ એક જ દિવસે નવી 150 મોટર ખરીદી
ભુજ, તા. 1 : કચ્છમાં જન્મેલા કચ્છીમાડુઓ તો સ્વભાવિક આજના અષાઢી બીજના દિવસને કચ્છી નવું વરસ ઉજવીને શુકનવંતો દિવસ માને છે પરંતુ જે કચ્છી નથી છતાં કચ્છમાં ફરજ બજાવીને રહે છે એ પણ નવા વરસનો પ્રારંભ થયો એમ માનીને આજના દિવસે પોતાના પરિવાર માટે કંઇક નવું ખરીદી કરવાની ઇચ્છા રાખે છે ત્યારે આજે અષાઢી બીજ અસાંજી બીજ માનીને નવી કારની ખરીદી કરવામાં આવી હતી. એક જ દિવસે 150 ચળકતી મોટરો રવાના થઇ હતી. મોટરને ઘણા પરિવારો મોજશોખનું સાધન ગણે છે તો અનેક એવા લોકો છે જેની જરૂરિયાત પણ હોય છે. એવા સંજોગોમાં દર વર્ષે કચ્છના રસ્તાઓ ઉપર નવા-નવા મોડેલ જોવા મળે છે. ભારત સરકારના નવા નિયમો-નીતિના કારણે કાર ઉત્પાદનમાં ઘણા બધા ફેરફાર કરી દેવાયા હોવાથી રોડ સલામતીને ધ્યાને લઇ ફિચર્સ આપવામાં આવે છે. આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક કારનો સમય આવવાનો છે પરંતુ હજુ કચ્છ જેવા દૂરના જિલ્લામાં માંગ ઓછી હોવાથી ઓછા ઉત્પાદનને જોતાં અહીં આવવામાં પણ મોડું થઇ શકે છે. કારણ કે કારનું બુકિંગ એટલું મોટું છે તેવું જાણવા મળ્યું હતું. નવા-નવા ફિચર્સ, સલામતી સુવિધા વધારી દેવામાં આવી હોવાથી પ્રત્યેક કાર કંપનીએ ભાવમાં વધારો કર્યો છે છતાં ખરીદી કરનારો વર્ગ ઘટયો નથી. આજે કચ્છની કાર વેચતી કંપનીઓના જુદા જુદા ડીલરો પાસેથી મળેલી વિગતો પ્રમાણે આજના દિવસે મારૂતિ, હુંડાઇ, મહિન્દ્રા, ટાટા અને રેનોલ્ટ, હોંગની કારનું વેચાણ થયું હતું. એક ડીલર પાસે લશ્કરના જવાનો આજે વહેલી સવારે 9 વાગ્યે કાર લેવા આવશે તેવું આગોતરું બુકિંગ કરાવ્યું હતું. ભલે તેઓ કચ્છી નથી પરંતુ આજે શા માટે, તો તેઓએ જણાવ્યું હતું કે, હમ કચ્છ કે નહીં હૈ લેકીન કાફી દિનો સે કચ્છમેં હૈ. આજ કા દિન શુભ હૈ ઇસલિયે ડિલિવરી આજ લેને આયે હૈ... એવું બોલ્યા હતા. 20 લાખની કાર ખરીદી કરવા આવ્યા હોવાથી હાથમાં ફૂલ-ગુલાબ લઇને યુનિફોર્મમાં શો રૂમ ઉપર આવ્યા ને કચ્છી ન્યૂ યર હૈ એમ કહીને કારી ખરીદીની એકબીજાને શુભકામના આપી હતી. ભુજ ખાતે હુંડાઇ શો રૂમના મેનેજર ઘનશ્યામભાઇ જોષીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, અમે 28 કાર આજે વેચી છે. ગ્રાહકો અગાઉથી બુકિંગ કરાવી ગયા હતા અને આજના દિવસનો આગ્રહ હતો. ઘણા ગ્રાહકોની મોટર તો 10 દિવસથી તૈયાર હતી છતાં આજે અષાઢી બીજના લેવાનું નક્કી કર્યું હતું અને કહ્યું કે, આજે શુભમૂહુર્ત છે. તેમના ગાંધીધામ ખાતેના શો રૂમમાં પણ લાઇનો હતી. મારૂતિના ભુજ ખાતેના ડીલર કૈલાશ મહેતાને પૂછતાં તેમણે જણાવ્યું કે, અમે એક જ દિવસે અષાઢી બીજનો મૂહુર્ત સાચવવા પ્રયાસ કર્યો ને 38 કારની ચાવી ગ્રાહકોને સુપરત કરી હતી. કૈલાશભાઇએ પણ એ જ કહ્યું કે, અષાઢી બીજને કચ્છી નવું વરસ માને છે એટલે આપણા કચ્છીઓ તો આજે જ ગાડી લેવાનું માને છે. ભુજ-ગાંધીધામમાં કુલ્લ મળીને 150 મોટરો કચ્છના રસ્તા ઉપર ઊતરી હોવાનું જાણવા મળ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust