બેરોજગારી, આરોગ્ય, શિક્ષણ પ્રશ્ને સરકારને ઢંઢોળાશે

બેરોજગારી, આરોગ્ય, શિક્ષણ પ્રશ્ને સરકારને ઢંઢોળાશે
ભુજ, તા. 1 : પહેલી રોટી કચ્છીને સૂત્ર સાથે સરહદી આ જિલ્લામાં બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દે કચ્છીઓના પ્રશ્નોને વાચા આપવા કચ્છ લડાયક સંઘ દ્વારા નવા વર્ષ આષાઢી બીજથી તંત્ર-સરકારને ઢંઢોળવાનું નક્કી કરાયું હતું. ભુજ ખાતે પત્રકારોને આ બાબતે માહિતી આપતાં કચ્છ લડાયક સંઘના અગ્રણી કે.ડી. જાડેજા તેમજ દિલીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકારી ભરતીઓમાં કચ્છીઓને અગ્રીમતા માટે લોકલ ભરતી બોર્ડનું ગઠન, કોન્ટ્રાકટમાં કચ્છીઓને પ્રાથમિકતા, શાળાઓમાં કચ્છી ભાષાના જાણકાર શિક્ષકોની નિમણૂક, બહારથી આવતા ઉદ્યોગોમાં કચ્છીને ભાગીદારી, પ્રવાસન ક્ષેત્રમાં સ્થાન આપી રોજગારીનું સર્જન કરવા, હસ્તકલામાં નવસર્જન, વિકલાંગોને રોજગારી પૂરી પાડવા માંગ કરાશે. આ ઉપરાંત અન્ય રાજ્યોની જેમ કચ્છમાં શિક્ષણ-રોજગાર ક્ષેત્રે આર્થિક નબળા વર્ગને 10 ટકા અનામતનો લાભ આપવો, બહાર વસતા કચ્છીઓને ઉદ્યોગ સ્થાપવા રાહતદરે જમીન આપવી, કંપનીઓના સીએસઆર ફંડમાંથી વિકાસ અને સેવાકાર્યો કરવા ફરજ પડાય, પર્યાવરણના જતન માટે સીઈઆરના નિયમોનું ચુસ્ત પાલન કરાવવું, ઉદ્યોગોમાં ઉત્પાદિત ચીજ-વસ્તુઓ અને સેવાઓ કચ્છીઓને સસ્તાદરે પૂરી પાડવી, વીજદરમાં રાહત આપવા સાથે નિયમિત પુરવઠો પૂરો પાડવા, નર્મદા સિંચાઈ યોજના તાત્કાલિક પૂર્ણ કરી છેવાડાના ગામો સુધી નીર પહોંચાડવા, ખેતપેદાશોના વેચાણમાં દલાલપ્રથા નાબૂદ કરવા, જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ખાનગીકરણ દૂર કરી જનરલ હોસ્પિટલમાં તબીબોની ઘટ દૂર કરી છએ છ વિધાનસભા વિસ્તારમાં આધુનિક સેવા સાથે સરકારી હોસ્પિટલ ઊભી કરવા, સરકારી અધિકારીઓ દ્વારા અરજદારોને કરાતી કનડગત દૂર કરવા સહિતની માંગની આગામી દિવસોમાં જે-તે વિભાગના વડા, કલેકટર તેમજ વડાપ્રધાન સુધી રજૂઆત કરાશે. જો કચ્છીઓને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં લડત ચલાવાશે તેવું જણાવાયું હતું. 

Crime

© 2022 Saurashtra Trust