કચ્છનાં 80 ગામ, સાત શહેરમાં લોકકલ્યાણનાં કામો ગુંજશે

કચ્છનાં 80 ગામ, સાત શહેરમાં લોકકલ્યાણનાં કામો ગુંજશે
ભુજ, તા. 1 : ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે ઊજવાઈ રહેલા અમૃત મહોત્સવના ભાગરૂપે રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને જનતા સુધી પહોંચાડવા રાજ્યમાં તા. 5થી 19મી જુલાઈ સુધી 15 દિવસ માટે વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાશે. આ બાબતના આયોજન માટેની નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. સર્વે અધિકારીઓને જિલ્લાના 80 ગામ અને 7 નગરપાલિકાઓમાં લોકકલ્યાણ અર્થે ફરનારા રથના સુચારુ આયોજન બાબતે વિગતે માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી પણ મેળવી હતી. રૂ. 12 કરોડના 539 કામો પ્રત્યેક તાલુકામાં  વિવિધ ગ્રાન્ટ યોજના અન્વયે કરાશે. તેના પ્રચાર-પ્રસાર અને લોક લાગણીને ધ્યાને લઈને અમલવારી કરવા શ્રી જાડેજાએ જરૂરી બાબતોનું પૃથક્કરણ પણ કર્યું હતું. ભુજ, અંજાર, નખત્રાણા તાલુકાએથી પ્રારંભ જિલ્લામાં ફરનારા ત્રણ વિકાસ રથના વંદે ગુજરાત કાર્યક્રમનું સમાપન રાપર ખાતે કરાશે. કાર્યક્રમના નોડલ ઓફિસર નાયબ જિલ્લા વિકાસ અધિકારી હરેશભાઈ મકવાણા કાર્યક્રમનું આયોજન કરશે.દરેક ગામમાં જ્યાં રથનું પ્રસ્થાન થવાનું છે ત્યાં સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણના કાર્યક્રમો ઉપરાંત પાણીનો યોગ્ય ઉપયોગ અને પાણી બચાવવા અંગેની સમજ, પશુ સારવાર કેમ્પ,આંગણવાડીઓમાં પૂરક આહાર,વાનગી નિર્દેશન, પશુઓમાં રસીકરણ, કોરોના રસીકરણ કેમ્પ સહિતના કાર્યક્રમો પણ થશે.  

Crime

© 2022 Saurashtra Trust