રાત્રિસભામાં લોકોને કનડતા થોકબંધ પ્રશ્નો રજૂ

રાત્રિસભામાં લોકોને કનડતા થોકબંધ પ્રશ્નો રજૂ
નલિયા, (તા. અબડાસા), તા. 1 : અબડાસા તાલુકાના બુડિયા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાત્રિસભામાં ગામના રહીશોને કનડતા પ્રશ્નોની થોકબંધ રજૂઆતો કરાઈ હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સભામાં લાલા - બુડિયા વચ્ચે તૂટી ગયેલ ચેકડેમની મરંમતની માંગ કરી હતી, તો લાલા અને બુડિયા ગામે ટ્રાન્સફોર્મર જર્જરિત થવાની સાથે વીજવાયર પણ નકામો બની જતાં તેને બદલવા ઉપરાંત હાલે બુડિયા ગામનું મતદાન મથક લાલા ગામે છે જેથી બુડિયા ગામે નવું મતદાન મથક કાર્યરત કરવા, લાલા અને બુડિયા વચ્ચે આવેલ કોઝ-વે પર પુલ બનાવવાની પણ માગણી કરાઈ હતી. એ વિસ્તારમાં કાર્યરત કંપની દ્વારા મીઠાંના પરિવહનનાં કારણે ગમે ત્યાં મીઠું ઢોળાતાં જમીનમાં ક્ષારનું આક્રમણ વધ્યું છે જેને રોકવા કોઈ નક્કર પૂરેપૂરું ઉત્તરદાયિત્વ નિભાવાય તેવી પણ માંગ ઊઠી હતી.બુડિયા ખાતે ઘોરાડ અભયારણ્યની જમીનમાં પુષ્કળ ઘાસ ઊગેલું છે. આ જમીન ઢોરોના ચરિયાણ માટે અથવા ઘાસ કાઢવાની મંજૂરી માટેની માંગ કરાઈ હતી. લાંબા સમયથી લાલા, બુડિયા ગામે શિક્ષકોની ઘટ હોતાં પ્રાથમિક શિક્ષણને માઠી અસર પહોંચી છે, જેથી પૂરતા શિક્ષકો નીમવાની માગણી કરાઈ હતી. પાણીનો જથ્થો ઓછો મળતો હોવાની પણ લોકોએ ફરિયાદ કરી હતી.આ સભા દરમ્યાન કલેક્ટરે કેટલાક પ્રશ્નોનો તાત્કાલિક નિવેડો લાવવા અને અન્ય પ્રશ્નો 15 દિવસમાં નિકાલ કરાશે તેવી ધરપત આપી હતી. સભામાં પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, ટી.ડી.ઓ. શૈલેશભાઈ ભટ્ટ, મામલતદાર, સરપંચ ગૌરીબેન  ખેરાજ સંજોટ, ઉપસરપંચ મામદ સતાર સંઘાર, લાલાના માજી સરપંચ આમદભાઈ સંઘાર વિ. ગ્રામજનોની ઉપસ્થિત રહી હતી. પ્રારંભમાં સરપંચ અને આગેવાનોએ કલેક્ટરનું સ્વાગત કર્યું હતું. સંચાલન શાળાના આચાર્ય ઈશ્વરભાઈએ કર્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust