15 વર્ષમાં 14 તળાવ, 5000 વૃક્ષની વનરાઇ સર્જનાર જળયૌદ્ધાઓ

15 વર્ષમાં 14 તળાવ, 5000 વૃક્ષની વનરાઇ સર્જનાર જળયૌદ્ધાઓ
વસંત પટેલ દ્વારા - કેરા (તા. ભુજ), તા. 1 : કચ્છ એક એવો પ્રદેશ છે કે જેના ગામેગામ એક-બે વ્યક્તિ એવા હોય છે જે શિક્ષણ, આરોગ્ય, ગૌસેવા, જળસંચય જેવા વિષયો સાથે ભેખધારીની જેમ કામ કરતા રહે છે. ભુજ તાલુકાના સૂરજપર ગામમાં પણ એવા બે વડીલ છે કે જેણે દાતાઓના વિશ્વાસે 15 વર્ષમાં 14 જેટલા નાના-મોટા તળાવ-તળાવડીઓ અને અંદાજે 5000 જેટલા વૃક્ષની વનરાઇ સર્જવા પ્રયત્ન કર્યા છે, આજે પણ કરી રહ્યા છે. કાળઝાળ ભઠ્ઠ તડકામાં જાતે ઊભી કામ કરાવ્યું છે એટલે ઓછા ખર્ચે વધુ કામ સાકાર થઇ થયું છે, થઇ રહ્યું છે. ખૂબ ગરમી છે, ધરતીનો લાડો લાવલશ્કર સાથે આવું આવું કરી રહ્યો છે. આખાય ગુજરાતમાં સુજલામ સુફલામ, અમૃત સરોવરોની ચર્ચા છે પણ ક્યાંય જેની ચર્ચા નથી તેવા જળયૌદ્ધાઓ ખૂણેખાંચરે કામ કરી રહ્યા છે. આજે આવા બે વ્યક્તિની વાત કરવી છે, એક છે 68 વર્ષીય મનજીભાઇ લાલજી પિંડોરિયા, બીજા છે નારાણભાઇ કરશન કેરાઇ. આ બંનેએ જરા સરખા દેકારા વગર 15 વર્ષમાં 14 તળાવ-તળાવડીઓ અને પાંચેક હજાર વૃક્ષની વનરાઇ સર્જવામાં નિમિત્ત?ભૂમિકા ભજવી છે. તે પૈકી કરગરિયા રખાલની પથરાળ ભૂમિ અને વડઝર સીમમાં પાંચ-પાંચ જ્યારે બાલકાઇ વિસ્તારમાં ચાર જળમંદિર જાતે બનાવ્યાં છે. કચ્છમિત્રએ આ સ્થળોની મુલાકાત લીધી હતી. બંનેએ કહ્યું, નિવૃત્ત છીએ, સીમમાં ચરવા જતા પાલતુ અને જંગલના રાની પશુઓ પાણી પીએ, પ્રકૃતિચક્ર જળવાઇ રહે તે માટે પ્રયાસ છે. અમે મોટી સંસ્થાઓ કે શેઠ શાહુકારની જેમ મોટાં તળાવો ન તો બંધાવી શકીએ કે ન તો બાંધી શકીએ પણ દાતાઓના સાથ-સહકારથી જેટલું થઇ શકે એ કરીએ છીએ. 15 વર્ષમાં આ બંને બાપાએ નદીના પટ, ગામની ભાગોળ, સરકારી જમીનો, નિશાળો, મંદિરો જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં વનરાઇ સર્જી છે. ઓણ સાલે જળમંદિર અભિયાનનો પણ સાથ મળ્યો છે. નારાણબાપા કહે છે માટીમેલાં કપડાં ચાલે, મેલાં હાથ ન ચાલે, ગામનો સાથ મળ્યો છે, બંને લાકડીથી ચાલે છે, કરચલીવાળો ચહેરો છે. શાંત અવાજ છે અને અંતરની લીલોતરી છે. યશ-અપયશની ચિંતા નથી. નવી પેઢીને કાર્ય સોંપી વિદાય થવું છે બસ. 

Crime

© 2022 Saurashtra Trust