ચાતુર્માસ એ તપ-જપ અને આરાધના કરવાનો ઉત્સવ

ભુજ, તા. 1 : ભુજ ક.વી.ઓ. જૈન સંઘ સંચાલિત નવનીતનગર કોવઇનગર મધ્યે વર્તમાન અચલગચ્છાધિપતિ કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ. સા.ના આજ્ઞાવર્તિની મહતરા મુખ્યા સાધ્વી વસંતપ્રભાશ્રી અને અહંતકિરણાશ્રીજી મ.સા.ના શિષ્યા સાધ્વી આનંદકિરણાશ્રીજી મ.સા. આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ સંઘના લોકોની વિશાળ ઉપસ્થિતિમાં થયો હતો. સાધ્વી આનંદકિરણાશ્રીજી મ.સા.ના ઉપાશ્રય પ્રવેશ બાદ સકળ સંઘ દ્વારા ગુરુ વંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે સાધ્વી મ.સા.એ જણાવ્યું કે, ચાતુર્માસ એ આરાધના અને તપ, જપ કરવાનું પર્વ છે. ધર્મનો પાયો મજબૂત હશે તો સાંસારિક જીવનની ઇમારતને કોઇપણ મુશ્કેલી ડગમગાવી શકશે નહીં તેવું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે સાધ્વી મ.સા.ને સૂત્ર વહોરવાનો લાભ હર્ષાબેન તિળક દેઢિયા, ચરિત્રનો લાભ લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે લહેરીભાઇ જગશી છેડા પરિવાર, ગુરુ પૂજનનો લાભ ઝવેરબેન ટોકરશી લોડાયા, કામળી વહોરવાનો લાભ જયાબેન પ્રબોધભાઇ મુનવર, મતિજ્ઞાનનો લાભ ઝવેરચંદભાઇ મેઘજી મારૂ, શ્રૃતજ્ઞાનનો લાભ ઉર્મિલાબેન મોહનલાલ પાસડ, અવધિજ્ઞાનનો લાભ લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે લહેરીભાઇ જગશી છેડા, મનપર્યોયજ્ઞાનનો લાભ હરેશભાઇ હંસરાજ ગોગરી, કેવળજ્ઞાનનો લાભ ઝવેરચંદભાઇ મેઘજી મારૂ વિગેરેએ લીધો હતો. આ પ્રવેશ પ્રસંગે સંઘના અધ્યક્ષ જિગર તારાચંદ છેડા, ક.વી.ઓ. જૈન મહાજન ભુજના ટ્રસ્ટીઓ, યુવા પાંખ અને મહિલા પાંખના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ ટ્રસ્ટી હરેશભાઇ ગોગરીએ કરી હતી.