ગાંધીધામના હત્યાના ચકચારી બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ દર્જ કરી

ગાંધીધામ, તા. 1 : શહેરના મહેશ્વરીનગર ઝૂંપડા વિસ્તારમાં બનેલા બનાવમાં બંને પક્ષોની પોલીસે ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં મગન મામદ કોળી નામના યુવાનની હત્યા થઇ હતી, તો તેમના પત્ની ઉપર જીવલેણ હુમલો કરાયો હતો. સામા પક્ષે એક મહિલા ઉપર હુમલો કરાતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી.મહેશ્વરીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જયશ્રીબેન મગન કોળીએ આ જ વિસ્તારના લક્ષ્મીબેન વાલજી બળિયા, દીપક વાલજી, સંજય વાલજી, મંજુબેન કિશોર મહેશ્વરી તથા લક્ષ્મણ મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાની દીકરીને સંજયે હેરાન-પરેશાન કરતાં ફરિયાદી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા પરંતુ આ શખ્સના પરિવારજનો અને આગેવાનો આવી આવો બનાવ નહીં બને તેની બાંહેધરી આપતાં સમાધાન થયું હતું અને ફરિયાદ નોંધાઇ નહોતી. બાદમાં ગત રાત્રે ફરિયાદી અને તેના પતિ તેમના વાહનો ઘરમાં રાખી રહ્યાં હતાં ત્યારે આ આરોપીઓ ધારિયું, છરી, પાઇપ, ધોકા લઇને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા. આ શખ્સોએ ગાળો આપી બાદમાં ત્યાં આવેલા લક્ષ્મીબેને છરી વડે હુમલો કરતાં ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી. આરોપીઓ આ દંપતીને પકડી રોડ ઉપર લઇ ગયા હતા. આ બંનેને મારી નાખી તેમની દીકરીને સંજયની વહુ બનાવવી છે તેવું કહેતાં આ દંપતીએ વિરોધ કર્યો હતો અને દીપકે ધારિયું કાઢી મગન કોળીના ગળાના ભાગે ઝીંકી દેતાં આ યુવાન ઢળી પડયો હતો. આ શખ્સોએ ફરિયાદી મહિલા ઉપર જીવલેણ હુમલો કરી તેમને ઇજાઓ પહોંચાડી હતી. રાડારાડનાં પગલે તેમની દીકરી અને પુત્ર પણ ત્યાં દોડી આવતાં આ શખ્સોએ તેમને પણ માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મગનને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તેમજ ફરિયાદી જયશ્રીબેનને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.સામા પક્ષે મંજુબેન કિશોર ડાયા સીંચ (મહેશ્વરી)એ વિક્રમ કોળી, મગન મામદ કોળી અને જયશ્રીબેન કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાના પતિ ગત રાત્રે નોકરીથી પરત આવ્યા ન હોવાથી અને તેમની પાસે મોબાઇલ ન હોવાથી પાડોશમાં રહેતા તેમની માતા લક્ષ્મીબેનના ઘરે ફોન કરવા ગયા હતા. પોતાના પતિને ફોન કરી આ મહિલા દુકાને જઇ રહ્યા હતા ત્યારે મગન કોળી, જયશ્રીબેન, વિક્રમે આ ફરિયાદીને ગાળો આપી અમારી દીકરી સામે જોતા નહીં અને સંજયને સમજાવી દેજો તેમ કહી જયશ્રીબેને ધારિયું લઇ આવી આ ફરિયાદીના હાથમાં માર્યું હતું અને જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. મારામારીના આ બનાવમાં મહિલા બેભાન થઇ જતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. તેમને હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.ચકચાર જગાવનારા આ પ્રકરણમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust