કચ્છના 18થી 59 વયજૂથના લોકોને માત્ર 500 બૂસ્ટર ડોઝ જ નસીબ થયા

ભુજ, તા. 1 : કોરોનાના કેસોએ ફરી સતત વધવાનું શરૂ કરતાં લોકોએ બૂસ્ટર ડોઝ માટે વિચારવાનું શરૂ કરી દીધું છે.સરકાર દ્વારા 18થી 59 વયજૂથના લોકોને મફત રસી આપવાનું બંધ કરી ખાનગી કોવિડ વેકિસન સેન્ટરેથી નાણાં ખર્ચીને રસી લેવાની જાહેરાત કરી પણ કચ્છમાં પૂરતી વ્યવસ્થા ન હોવાથી રસીઇચ્છુકો ધક્કા ખાઇ રહ્યા છે. રસીકરણ માટે ખાનગી હોસ્પિટલો પૂરતી સગવડતા ધરાવતી હોય તેમને સરકારે છૂટ આપી ત્યારથી અત્યાર સુધી આવા નાણાં લઇને રસી આપવા માટે નોંધાયેલા કેન્દ્રોની જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે સંખ્યા ત્રીસ જેટલી થવા જાય છે. જો કે, આદિપુરની ડિવાઇન લાઇફ હોસ્પિટલે સિરમ ઇન્સ્ટિટયૂટ પાસેથી આગોતરા નાણાં જમા કરાવી 500 ડોઝ મેળવ્યા હતા, જે  આદિપુર ઉપરાંત ભુજમાં ડિવાઇન કચ્છ લાઇફ કેર અને મુંદરામાં એલાયન્સ હોસ્પિટલ ખાતેથી 200 લોકોને આપ્યા હતા, જ્યારે  300 ડોઝ ઓસીઇએલ કંપનીમાં જઇને રસીકરણ કર્યું હતું.ડિવાઇન લાઇફ પાસે પણ હાલે રસીનો જથ્થો નથી. સોમ-મંગળવારે નાણાં જમા કરાવ્યા બાદ 500 ડોઝ પાંચેક દિવસમાં આવી જવાની સંભાવના સાગર શુકલએ વ્યકત કરી હતી. જિલ્લા પંચાયતમાં આરસીએચઓ ડો. જે.એચ. ખત્રીને પૂછતાં તેમણે જણાવ્યું કે, અગાઉના  25 જેટલા નોંધાયેલા કેન્દ્રોની માન્યતા ચાલુ જ છે. નવી માન્યતા ડિવાઇન લાઇફ હોસ્પિટલે આદિપુર અને ભુજ માટે ઉપરાંત ગાંધીધામની નવકાર ક્લિનિકે મંજૂરી મેળવી છે. વધુ વિગતો આપતાં ડો. ખત્રીએ જણાવ્યું કે, વિદેશ જવા ઇચ્છુક બીજો ડોઝ લીધાના ત્રણ મહિને ખાનગી સીવીસી ખાતેથી અંદાજે રૂા. 368 ખર્ચીને લઇ શકે છે. દસ્તાવેજી પુરાવાની જરૂર નથી, જ્યારે  અન્ય લોકોને બીજા ડોઝના નવ મહિના બાદ આપવાનો નિયમ છે. તે મુજબ મેસેજ જતા હોય છે.સિરમ ઇન્સ્ટિટયૂટ પાસે રસીના જથ્થાની ઉપલબ્ધતા મુજબ ફાળવણી કરાતી હોવાથી વહેલું-મોડું થઇ શકે છે. 

Crime

© 2022 Saurashtra Trust