સફળતા માટે સાતત્ય અને લક્ષ્ય પ્રત્યે ગંભીરતા રાખો

ભુજ, તા. 23 : એક વખત ધ્યેય નક્કી કર્યા બાદ તેના પર ધ્યાન કેન્દ્રિત કરો અને સાતત્ય અને ગંભીરતા સાથે તૈયારી કરશો તો સફળતા ચોક્કસ મળશે એવો સૂર કચ્છમિત્ર અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે.એ વ્યક્ત કર્યો હતો. કચ્છમિત્ર અમૃત મહોત્સવ ઊજવી રહ્યું છે એ નિમિત્તે યુવા પેઢીનું ઘડતર થાય અને તેમને માર્ગદર્શન મળે એ માટે સફળ વ્યક્તિત્વો સાથેનો `સંવાદ' કાર્યક્રમ યોજી રહ્યું છે તેના પ્રથમ ચરણમાં કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.એ કચ્છમિત્ર ભવનના સભાખંડમાં યુવા ભાઇ-બહેનોને પોતાના સાફલ્યગાથા વર્ણવી હતી. તેમણે કહ્યું કે, માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પોતાની ક્ષમતા મુજબ અને વ્યક્તિગત વ્યૂહરચના બનાવી એ રીતે તૈયારી કરો તો પરિણામ ચોક્કસ મળશે.તેમણે આત્મવિશ્વાસ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, નકારાત્મક વિચારવાનું ટાળો અને જે પણ કાર્ય કરો તે દિલથી કરો. યુવાઓને તેમણે શીખ આપી હતી કે આઇએએસ, આઇપીએસ કે અન્ય કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચન શ્રેષ્ઠ છે. તેમણે વર્તમાનમાં બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા-સામાન્ય જ્ઞાન વધારવા માટે સમાચારપત્રો નિયમિત રીતે વાંચવાનો આગ્રહ કર્યો હતો.બીજા પ્રયત્ને યુપીએસસી પાસ કરનારા અને આખાં ભારતમાંથી 102 રેન્ક મેળવનારા પ્રવીણાજીએ વધુમાં જણાવ્યું હતું કે, યુપીએસસી માટે જરૂરી નથી કે કોઇ ઇન્સ્ટિટયૂટમાં જોડાઓ, તમે સ્થાનિકે રહીને જો યોગ્ય વ્યૂહરચના સાથે તૈયારી કરો તો જરૂર પાસ થઇ શકો છો. સાથે તેઓ ઉમેરે છે કે પોતાની વ્યક્તિગત નોટ્સ બનાવો અને સ્વહસ્તે લખવાનું રાખો. સાથોસાથ એ પણ સૂચન કર્યું હતું કે, તમારા લક્ષ્યની તૈયારી કરતા હો તેમાં એકાદ દિવસનો બ્રેક પણ લ્યો અને પુન: બીજા દિવસથી તમે તાજગી અનુભવી શકશો.આ પહેલાં ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલોપમેન્ટના પ્રમુખ રસનિધિ અંતાણીએ આવકાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, સ્વાનુભવ વગર જ્ઞાન ન મળે. એ સાથે તેમણે કચ્છમિત્ર સાથેના વર્ષો જૂના સંબંધો અને ઇન્સ્ટિટયૂટની કામગીરીથી સૌને વાકેફ કર્યા હતા.સન્માનના દોરમાં કલેક્ટર પ્રવીણાબેનનું સન્માન કચ્છ તારી અસ્મિતા અને પ્રવાસન અંક તથા પ્ર્રતીક ભેટ સાથે કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ અને મેનેજર શૈલેષ કંસારાએ કર્યું હતું. હરેશભાઇ ધોળકિયા ઉપસ્થિતિ રહ્યા હતા.તંત્રી દીપક માંકડે પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે, કચ્છમિત્ર એ જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય અખબાર છે, જે દેશ-વિદેશમાં કચ્છીઓ અચૂક વાંચે છે. સાથે તેમણે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને કચ્છમિત્રએ કરેલી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને અવગત કર્યા હતા અને કચ્છમિત્રની લોકચાહનાનું હાર્દ તેનું નિર્ભિક પત્રકારત્વ અને જનહિતની નીતિ હોવાનું જણાવ્યું હતું.વરિષ્ઠ કેળવણીકાર હરેશ ધોળકિયાએ કલેક્ટરના સંબોધનના મુખ્ય અંશો સાથે છાત્રોને એ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, કારકિર્દીના સર્વોચ્ચ સ્તરે પહોંચવું હોય, કંઈક બની છૂટવું હોય તો ખંત, પરિશ્રમ અને સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારિત કરવું પડશે.કલેક્ટર પ્રવીણા ડી.કે.ના ઉદ્બોધન બાદ પ્રશ્નોત્તરી યોજાઇ હતી જેમાં ઉપસ્થિત યુવા ભાઇ-બહેનોએ યુપીએસસી માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપરાંત તેમણે કેવી રીતે યુપીએસસીની તૈયારી કરી વેઠેલા સંઘર્ષો અને કલેક્ટર બનવા દરમ્યાન થયેલા અનુભવો કહ્યા હતા. આ કાર્યક્રમમાં મદદ. તંત્રી નિખિલ પંડયા, એડ મેનેજર હુસેન વેજલાણી, પ્રફુલ્લ ગજરા, ગિરીશ જોશી, શિક્ષણજગત સાથે સંકળાયેલા ડો. મધુકાંત આચાર્ય, પ્રોફેસર સૈફીવાલા, જાગૃતિ વકીલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ કચ્છમિત્રના આસિ. મેનેજર મુકેશ ધોળકિયાએ કરી હતી.