આડેસરના બ્રેઈનડેડ મુસ્લિમ યુવાનનાં હૃદયનું પ્રત્યારોપણ કરાયું

આડેસર, તા. 23 : તાલુકાના આડેસરના વતની અને હાલે ભચાઉ ખાતે રહેતા 25 વર્ષીય યુવાન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ બ્રેઈનડેડ થઈ ગયો હતો. યુવાનના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો અને હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.રાજયના મુખ્યમંત્રીએ આ કાર્યને બિરદાવ્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ગત મે મહિનામાં ભચાઉ પાસે હતભાગી 25 વર્ષીય યુવાન ઈનાયત જુમાભાઈ ખલીફા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો. તેને પ્રાથમિક સારવાર ભુજ ખાતે અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાંચ દિવસની સારવાર બાદ તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોએ યુવકના પરિવારજનોને અંગદાન અંગે સમજ આપી હતી. પરિવારજનોએ અંગદાન અંગે નિર્ણય લેતા યુવાનના હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. યુવાનના પિતા જુમાભાઈએ મારો પુત્ર જીવતો નથી પરંતુ તેનું હૃદય અન્ય જરૂરીયાતમંદના શરીરમાં ધબકે છે તેનો સંતોષ છે. મારા દિકરાના અંગદાન થકી અન્ય કોઈનો દિકરો પીડામુકત બને અને તેને નવજીવન મળે તે વિચારને ધ્યાનમાં રાખીને અંગદાનનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આડેસરના પરિવારને બોલાવીને તેમનું સન્માન કર્યું હતું.