શિક્ષણથી કોઈ વંચિત ન રહે તે ધ્યાન રાખવા અનુરોધ

ભુજ, તા. 23 : ગુરુવારે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ રાજ્યમાં આજથી પ્રારંભ ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગાંધીધામ તાલુકાના કિડાણા ગામના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો, તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, શિક્ષણથી કોઈ વંચિત ન રહે તેનું ધ્યાન રાખવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે વાલીઓને બાળકોમાં બાળપણથી સંસ્કાર સીંચવા અનુરોધ કર્યો હતો. અધ્યક્ષાએ આ તકે પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરી હતી શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. કિડાણા ખાતે કિડાણા કન્યા પ્રાથમિક શાળા અને કિડાણા હાઉસીંગ કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં કુલ 130 બાળકોનો ધોરણ એકમાં સ્કૂલકિટ આપી પ્રવેશ કરાવાયો હતો તેમજ આંગણવાડીના 80 બાળકને સંકલિત બાળ વિકાસ યોજનામાં પાપા પગલી એક પગલું પ્રગતિ હેઠળની કિટ અર્પણ કરાઇ હતી તેમજ સગર્ભા માતા અને બે વર્ષ સુધીના બાળકોને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પોષણ કિટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.કે. પરમાર, કૈલાસબેન ભટ્ટ, સી.ડી.પી.ઓ. સોનલબેન જૈન, દાતા જખુભાઈ વેલા, નવીનભાઈ સીજુ, ઇલિયાશભાઈ, બાબુભાઈ ગુજરિયા, સરપંચ સિદ્ધરાજભાઇ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી પિન્કીબેન ચૌધરી, મામલતદાર મેહુલભાઇ ડાભાણી, તાલુકાપ્રાથમિક શિક્ષણ અધિકારી હિમાંશુભાઈ સીજુ, બીઆરસી લાલજીભાઈ ઠક્કર, શાળાના આચાર્યે દિલીપભાઇ પટેલ, પ્રવિણભાઇ પ્રજાપતિ, રાહુલભાઇ સખેસરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને સારું શિક્ષણ મળી રહે તેની વડાપ્રધાનને ચિંતા બીજી તરફ રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ અંજાર ખાતે વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહીને શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવ્યો હતો.આ તકે સહકાર અને કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી વિશ્વકર્મા (પંચાલ)એ જણાવ્યું કે, બાળકોને સારું શિક્ષણ મળે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરે છે. મંત્રીએ પ્રવેશ મેળવી રહેલા બાળકો અને અન્ય વિદ્યાર્થીઓને દેશના વૈજ્ઞાનિકો વિશે માહિતી આપી સહજ સંવાદ કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળા પ્રવેશોત્સવ દરમિયાન પ્રવેશ મેળવી રહેલા વિદ્યાર્થીઓને કિટ અર્પણ કરાઈ હતી. મંત્રીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રાથમિક શાળા નંબર 6, શાળા નંબર 19, શાળા નંબર 4, શાળા નંબર 1, કન્યા શાળા નંબર 1 અને શાળા નંબર 9ના કાર્યક્રમમાં હાજરી આપી વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે., અંજાર એસડીએમ મેહુલ દેસાઈ, અંજાર મામલતદાર અફઝલ મંડોરી સહિત કાઉન્સિલરો, શાળાના આચાર્યો, શિક્ષકો, પદાધિકારીઓ અને અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. માનકૂવા ખાતે ગૃહખાતાના સચિવ ભરતભાઈ વૈષ્ણવે કુમાર અને કન્યા શાળામાં બાળકોને પ્રવેશ કરાવાયો હતો, આ પ્રસંગે સરપંચ રમેશભાઈ ભુડિયા, મહોબતસિંહ સોઢા, નારાણભાઈ ચાવડા, એ. એ. લાંગાય, મયુર ઠક્કર, પ્રેમજી ચાવડા, મહિપતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય શિક્ષક અશ્વિન પવાણી, કવિતાબેન ગોસ્વામીએ વ્યવસ્થા અને સંચાલન જિજ્ઞાબેન લાખાણીએ તેમજ આભારવિધિ રાજેશ્વરીબા સોઢાએ કર્યા હતા.નાના બાંધા (તા. ભુજ) : છેવાડાના ગામમાં સીડીપીઓ નીતાબેન ઓઝાના હસ્તે નાના ભૂલકાંઓને પ્રવેશ અપાયો હતો. નલિયા (તા. અબડાસા) : તાલુકાના મુખ્ય મથકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિ, કેળવણી નિરીક્ષક ખુમાનસિંહ સોઢા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રંજનબેન સંજોટ, લખધીરસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. નખત્રાણા : તાલુકાના મોટી ખોંભડી ખાતે કુમાર પ્રા. શાળા, કન્યા પ્રા. શાળા, નાની ખોંભડી પ્રા. શાળા તથા જીનામ વિસ્તાર પ્રા. શાળાના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી હતી. પ્રારંભે શાળાના બાળકોએ સ્વાગત ગીત બાદ મહેમાનો પુસ્તક આપી સ્વાગત કર્યું હતું. ધોરણ 1ના પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાસ્મો ભુજના યુનિટ મેનેજર જે. કે. વાઘેલા, નેત્રા સીઆરસી લાયઝન ઓફિસર કલ્પેશભાઇ તેજાણી, તા. પંચાયતના ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, રઘુવંશી સો. ગ્રુપના પ્રમુખ રાજેશભાઇ પલણ, ખોંભડીના સરપંચ ધર્મિષ્ઠાબેન કાપડી, ઉપસરપંચ કાંતાબેન પટેલ, માજી સરપંચ દિલીપસિંહ જાડેજા, અગ્રણી નવુભા જાડેજા, જગદીશ કોઠારી, નારાણભાઇ સોની વિ. ઉપસ્થિત રહ્યા હતા. રસલિયા પ્રા. શાળામાં મુખ્ય મહેમાન કે. જે. વાઘેલા (યુનિટ મેનેજર વાસ્મો-ભુજ), સંધ્યાબેન પલણ ઉપપ્રમુખ નખત્રાણા તાલુકા પંચાયત, રાજુભાઇ પલણ, સરપંચ જયંતીભાઇ પરમાર, ઉપસરપંચ મગનભાઇ સાંખલા, કલ્પેશભાઇ સચદે, વિકલાંગ વિકાસ ફાઉન્ડેશનના પ્રમુખ જુવાનસિંહ જાડેજા, જગુભાઇ લિંબાણી, દામોદરભાઇ ભાવાણી, પાટીદાર સમાજના મંત્રી કેશુભાઇ લિંબાણી તેમજ સુલેમાનભાઇ જાગોરા, કલ્પેશભાઇ તેજાણી, યોગેશભાઇ પટેલ હાજર રહ્યા હતા. આ પ્રવેશોત્સવમાં ધો. 1માં કુલ્લ 44 બાળકો અને આંગણવાડીમાં કુલ્લ 11 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. દાતાઓ જગુભાઇ ભાવાણી, કલ્પેશભાઇ સચદે અને જુવાનસિંહ જાડેજા તરફથી બાળકોને શૈક્ષણિક કિટ અને આઇકાર્ડ ભેટ આપવામાં આવ્યા હતા. ભચાઉ કન્યા શાળા અને કુમાર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન અશ્વિનભાઇ સુથાર (ડાયટ-ભુજ) તથા કલાવંતીબેન જોશી (નગરપાલિકા પ્રમુખ), ભરતસિંહ જાડેજા પ્રમુખ-નગરપાલિકા, રાજેન્દ્રભાઇ ઠક્કર, આઇ. જી. જાડેજા, મનુભા ગઢવી, કિશોરભાઇ રાવલ, રૂપલબેન દેસાઇ, સુશીલાબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંજાર : તાલુકા વરસામેડી, મોડવદર અને અજાપર ગામે રાજ્યના પૂર્વ મંત્રી અને અંજાર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વાસણભાઇ આહીરના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં બાળકોને તિલક કરાવીને, મોઢું મીઠું કરાવી પ્રવેશ કરાવી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.અંજાર તા.ના વિવિધ ગામો ખાતે આયોજિત આ કાર્યક્રમમાં તા. પંચાયતના પ્રમુખ રાજીબેન હુંબલ, તા.પં.ના કારોબારી ચેરમેન આંબાભાઇ રબારી, જિલ્લા પંચાયતના સભ્ય મશરૂભાઇ રબારી, શંભુભાઇ હુંબલ, દેશીબેન ચૈયા, નારણભાઇ ચૈયા, ધનજીભાઇ રબારી સહિતના જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ આગેવાનો દ્વારા વાસણભાઇ આહીરનું સન્માન કરવામાં આવ્યું હતું.