દીનદયાળ મહાબંદરની ઈ-દૃષ્ટિ મોબાઈલ એપ્લિકેશન થઈ લોંચ

દીનદયાળ મહાબંદરની ઈ-દૃષ્ટિ મોબાઈલ એપ્લિકેશન થઈ લોંચ
ગાંધીધામ, તા. 23 : દીનદયાળ મહાબંદર ખાતે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (આર.એફ.આઈ.ડી.) લાગુ કરાયા બાદ હવે મહાબંદર પ્રાધિકરણ એક ડગલું આગળ વધીને આજે આ માટેની ઈ-દૃષ્ટિ મોબાઈલ એપ્લિકેશન પણ લોંચ કરી હતી. આજે સવારે મહાબંદરના પ્રશાસનિક ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ડીપીએ અધ્યક્ષ એસ.કે. મહેતા દ્વારા આ મોબાઈલ એપ્લિકેશન લોંચ કરાઈ હતી. બંદર વપરાશકારો હવે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને બંદરની અંદર આવવા-જવા માગતાં વાહનોની તમામ વિધિ કરી શકશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, મહાબંદરની અંદર સુરક્ષાની સ્થિતિ વધુ સઘન બનાવવા આર.એફ.આઈ.ડી. પદ્ધતિ લાગુ કરાઈ છે. જે અંતર્ગત માલ લેવા-મૂકવા જતાં ટ્રક સહિતનાં વાહનોનું અગાઉથી રજિસ્ટ્રેશન, ચાલકનું રજિસ્ટ્રેશન કરાવાય છે. જેને કારણે બંદર ઉપર ટ્રાફિક જામ સહિતની સમસ્યા નિવારી શકાય છે. ટોલનાકાંની જેમ જ આવતાં વાહનો ડિજિટલી ખરાઈ થઈ જતાં તરત જ તેમને પ્રવેશ મળે છે. આ માટે મદદરૂપ આ મોબાઈલ એપ્લિકેશન તથા તમામ સીસીટીવી નેટવર્ક ઉપયોગી નીવડશે. આજના કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ નંદીશ શુક્લા તથા તમામ વિભાગીય વડાઓ, ઈડીપીના અધિકારીઓ, બંદર વપરાશકારો તથા પરિવહનકાર સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer