40 કરોડના ખર્ચે નિર્મિત અંજારનો નવો ફળ-શાકભાજી માર્કેટયાર્ડ ખેડૂતો માટે લાભકારી

ભુજ, તા. 23 : 10 એકરની વિશાળ જમીનમાં અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવો ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડ રૂા. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાધુનિક સુવિધાઓથી સંપન્ન આ યાર્ડમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જી હોલનું નામકરણ આજે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અત્યાધુનિક ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં અંજાર સહિતના અન્ય વિસ્તારમાંથી શાકભાજી, ફળફળાદી વગેરેની મોટા પ્રમાણમાં આવક થશે. આ માર્કેટયાર્ડનો સીધો જ લાભ ખેડૂતોને મળશે. સબ માર્કેટયાર્ડના ફરતે પાકી બાઉન્ડ્રી, મીઠા પાણીનો બોર, 200 દુકાન અને ગોડાઉનો, અદ્યતન 25000 સ્કવે. ફૂટનો વિશાળ ઓક્શન શેડ, પાર્કિંગ માટે આધુનિક બેઝમેન્ટ, સી.સી. રોડ, સોલાર લાઇટ્સ, સીસીટીવી કેમેરા, ટોઈલેટ બ્લોક, કેન્ટિન, અદ્યતન વિશાળ મેઇન ગેટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 40 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અદ્યતન સબ માર્કેટયાર્ડમાં રાજ્ય સરકાર તરફથી રૂા. 5.67 કરોડની સહાય આપવામાં આવી છે. રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ના હસ્તે રૂા. 1.50 કરોડનો ચેક બજાર સમિતિને આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ શ્રી રાજ શક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લિમિટેડ મંગરા (તા. મુંદરા)ની નોંધણી કરવામાં આવી છે. જેનું નોંધણીનું પ્રમાણપત્ર રાજ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. બીજી તરફ અમદાવાદની ફ્રૂટ કમિશનની વર્ષો જૂની કંપની ઇબ્રાહીમ સુલેમાન એન્ડ કું.ના સકીલભાઇએ માર્કેટયાર્ડની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આનાથી કચ્છના બાગાયત ખેડૂતોને ફળોના સારા ભાવ મળશે જેથી તેમને લાભ થશે. આ કાર્યક્રમમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ?હુંબલ, અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, અંજાર શહેર નગરપાલિકા ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, અંજાર એપીએમસીના વાઇસ ચેરમેન દુદાભાઇ બરારિયા, અંજાર ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ વેલાભાઇ જરૂ સહિત અગ્રણીઓ ભરતભાઇ શાહ, ડેનીભાઇ શાહ, મુળજીભાઇ મિયાત્રા, પ્રકાશભાઇ લોદરિયા, ડાયાલાલભાઇ મઢવી, અશ્વિનભાઇ સોરઠિયા, અનિલભાઇ પંડયા, સુરેશભાઇ ટાંક સાથે જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે., અંજાર એસડીએમ મેહુલ દેસાઇ, અંજાર મામલતદાર અફઝલભાઇ મંડોરી સહિતના પદાધિકારીઓ, નગરસેવકો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.