ભુજમાં પ્રથમવાર કચ્છભરના મુસ્લિમ તેજસ્વી તારલાઓ માટે સેમિનાર યોજાયો

ભુજમાં પ્રથમવાર કચ્છભરના મુસ્લિમ તેજસ્વી તારલાઓ માટે સેમિનાર યોજાયો
ભુજ, તા. 23 : કચ્છભરના મુસ્લિમ તેજસ્વી તારલાઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેનિમાર ભુજમાં ઇત્તિહાદુલ મુસ્લેમીન એ હિન્દ ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો. તો સંસ્થા દ્વારા અંજાર ખાતે સંચાલિત સ્વનિર્ભર તાલીમ કેન્દ્રમાં મહેંદી વર્ગની પૂર્ણાહુતિ થતાં પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. ભુજના મદ્રેસા આઇશા સીદીકા લિલ-બનાત ખાતે શિક્ષણવિદ્ નજીબભાઇ અબ્બાસીએ જણાવ્યું હતું કે, હાલના વર્તમાન સમયમાં દરેક પ્રકારના વિદ્યાર્થીઓ માટે અનેક વિકલ્પો ખુલ્લા છે. જેમાં ઉચ્ચ ગુણોથી પાસ થનાર તેજસ્વી તારલાઓ મેડીકલ, ઇન્જિનીયરીંગ જેવા અગત્યનાં વિષયો પસંદ કરી આગળનું શિક્ષણ મેળવી શકે. તે જ રીતે ધોરણ 10 પછી ડીપ્લોમા, આઇ.ટી.આઇ. તેમજ રેગ્યુલર ધોરણ 11 અને 12 માટેદું શિક્ષણ મેળવી શકાય છે. ઇનાયત શેખે વિદ્યાર્થીઓને મોબાઇલ જેવા દુષણોથી દુર રહી શિક્ષણમાં પોતાનું કેન્દ્રીત કરી ઉજ્જવળ કારકિર્દી બનાવા અનુરોધ કર્યો હતો. ડો. ફરીદ ખોજાએ વિદ્યાર્થીનો સૌથી પહેલા પોતાના (સ્વપ્ન) નક્કી કરી જેને અમલમાં લેવા વિકલ્પો ચકાસી અમલમાં લેવા ધ્યાન કેન્દ્રીત કરવા શીખ આપી હતી. મુસ્તાકભાઇ ખલીફાએ પણ કારકિર્દી માટે શૈક્ષણિક ટીપ્સ આપી હતી. સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઇ આગરીયાએ જણાવ્યું કે સંસ્થા દ્વારા આ પ્રકારના સેમિનારનો પ્રથમ પ્રયાસ છે. મુસ્લિમ અગ્રણીઓ મૌલાના ઇલીયાસ ફલાહી, રજાકભાઇ હિંગોરા, ઉમરભાઇ શેરા સમા, મૌલાના નુરમોહમદ, મૌલાના હારૂન, કારી રીયાઝુદ્ની, સૈયદ ઇસહાકમિયાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી હાજી નુરમામદ રાયમા, હબીબશા સૈયદ, સાદિકભાઇ રાયમા, સલીમભાઇ રાયમા, સંસ્થાના હોદ્દારો મહિલા અગ્રણીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી હબીબશા સૈયદએ આભાર વ્યક્ત કર્યો હતો. તેવું સંસ્થાના પ્રવક્તા જલાલશા સૈયદની યાદીમાં જણાવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા કચ્છભરમાં 36 જેટલા નિ:શુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ચાલી રહ્યા છે જેમાં સીવણ વર્ગ, બ્યુટી પાર્લર વર્ગ અને મહેંદી કલાસની તાલીમો અપાય છે. તા 10-6ના કચ્છભરમાં સાત જેટલા મહેંદી કલાસોમાં તાલીમ પૂર્ણ થતાં અંજારમાં ચાલતા ત્રણ મહેંદી કલાસીસના ટ્રેનરો અને તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઇ આગરીયાએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં સંસ્થા વધુ 25 જેટલા સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો ખોલવા જઇ રહી છે. ટ્રેનરો મેમણ રૂકસાર સુલેમાન, સમા સમીમ અબ્દુલ, કલર સુલતાના ઇસ્માઇલએ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer