ભુજમાં 30મીએ ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશેત્સવ ઊજવાશે

ભુજ, તા. 23 : આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે કચ્છ-વાગડ દેશોદ્ધારક આ.ભ. શ્રીમદ્ વિજય કનક - દેવેન્દ્ર -કલાપૂર્ણ-કલાપ્રભસૂરિશ્વરજી મ.સા.ના પટ્ટધર 700 કરતાં પણ વધારે શ્રમણ-શ્રમણીવૃંદના સુવિશાલ ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ વિજય કલ્પતરુસૂરિશ્વરજી મ.સા., સૌહાર્દમૂર્તિ આ.ભ. શ્રીમદ્ વિજય મુક્તિચંદ્રસૂરિશ્વરજી મ.સા., જ્ઞાનમૂર્તિ આ.ભ. શ્રીમદ વિજય મુનિચંદ્રસૂરિશ્વરજી મ.સા. આદી ઠાણા-32, તા. 30-6, ગુરુવારે ચાતુર્માસ અર્થે આવતા હોવાથી ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશોત્સવ યોજાશે, જેમાં ભારતભરમાંથી જૈન સંઘોના ભાવિકો જોડાશે. આ ચાતુર્માસ પ્રવેશોત્સનો પ્રારંભ જાજરમાન સામૈયાથી થશે. જેમાં સવારે 8-30 વાગ્યે ડો. દિલ્લીવાલા કોમ્પ્લેક્ષ હોસ્પિટલ રોડ પરથી વાજતે-ગાજતે સામૈયું કરાશે, જે વિવિધ માર્ગે પસાર થઈ કતિરા પાર્ટીપ્લોટ ખાતે પૂર્ણ થશે, જ્યાં પ્રવેશોત્સવ યોજાશે. જેના અંતિમ ચરણમાં જૈન મુનિઓ માંગલિક ફરમાવી પ્રથમ હિતોપદેશ સાથે ચાતુર્માસનું મહત્ત્વ સમજાવાશે. ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ વિજય કલ્પતરુસૂરિશ્વરજી મ.સા. ગચ્છાધિપતિ પદે આરૂઢ થયા બાદ અને 12 વર્ષ બાદ ચાતુર્માસ અર્થે આવતા હોઇ તેમજ આ.ભ. શ્રીમદ વિજય મુક્તિચંદ્રસૂરિ અને આ.ભ. મુનિચંદ્રસૂરિ મ.સા. 10 વર્ષ બાદ ચાતુર્માસ નિશ્રા પ્રદાન કરનારા હોઇ આરાધના ભવન જૈન સંઘ ભુજમાં અનેરા ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું છે. `કલ્પતરુ' ચાતુર્માસ કરાવવાનો સંપૂર્ણ લાભ માતા પ્રેમિલાબેન સ્વરૂપચંદભાઇ મહેતા પરિવાર (વાંઢિયા) હાલે ભુજ-ગાંધીધામએ લીધો હોવાનું માનદમંત્રી ધીરજલાલ મહેતા તથા મીડિયા કન્વીનર વી.જી. મહેતાએ જણાવ્યું હતું. આ પ્રસંગે દાતા પરિવાર તરફથી બહારગામથી આવનાર મહેમાનો, ભુજના આમંત્રિત મહેમાનો એવમ આરાધના ભવન જૈન સંઘનું સ્વામીવાત્સલ્ય યોજાશે. આ `કલ્પતરુ' ચાતુર્માસને ઐતિહાસિક બનાવવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઇ મહેતાની રાહબરી હેઠળ મંત્રી ધીરજલાલ મહેતા, હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ, 12 જેટલી વિવિધ કમિટીના સભ્યો, યુવાનો વિ. તડામાર તૈયારી કરી રહ્યા હોવાનું સંઘના મીડિયા કન્વીનર વી. જી. મહેતાએ જણાવ્યું હતું.