કચ્છમાં કોવિડના એકસામટા સાત દર્દી ઉમેરાયા : નાઈઝિરિયા, દિલ્હી, મુંબઈથી આવેલા પોઝિટિવ
ભુજ, તા. 23 : કચ્છમાં આ પખવાડિયામાં એક દિવસને બાદ કરતાં રોજેરોજ કોરોના પોઝિટિવ કેસો નોંધાતા રહ્યા છે, તે દરમ્યાન આજે તો આંક ઊંચકાઈને સાતે પહોંચ્યો છેપ તો એક્ટિવ પોઝિટિવ કેસ પણ વધતા રહી 20 થઈ ગયા છે.ગાંધીધામમાં નાઈઝિરિયાથી આવેલી વ્યક્તિ, મુંબઈથી શિપિંગમાં નોકરી અર્થે આવેલા અને સ્થાનિકના પત્ની બાદ પતિનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. ભુજના આર્મી વિસ્તારમાં એક અને બીજો કેસ એરપોર્ટ માર્ગે આવેલા રજવાડી બંગલો ખાતે દિલ્હીથી આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અંજાર તાલુકાના મેઘપર કુંભારડીના 55 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે વાયરસ ફેલાવતા મચ્છરનો ઉપદ્રવ વધવાના, શરદી, ઉધરસ, ઝાડા-ઊલટી, તાવના કિસ્સા વધતાં સારવા માટે જનારાના ફ્લુના ટેસ્ટ કરતાં કોવિડ કેસ મળી આવવાની સંભાવાના હોવાનું આરોગ્ય સંબંધિત સૂત્રોએ ભીતિ દર્શાવી હતી. શહેરી વિસ્તારના છ અને ગ્રામણીના એક મળી સાત કેસ નોંધાયા તે સામે ભુજ અને ગાંધીધામના બબ્બે અને એક અંજારના મળી પાંચ દર્દી સ્વસ્થ થયા છે. તંત્રની યાદીમાં રસીકરણની અપાયેલી વિગતો મુજબ ગુરુવારે 1574 ડોઝ અપાયા હતા.