ભારત માટે રાહત : ઇંગ્લેન્ડની ટીમમાંથી બહાર થઈ શકે છે એન્ડરસન
લીડ્સ, તા. 23 : ટીમ ઇન્ડિયા આગામી મહિનાની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ મેચ રમવાની છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઇંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમ કોરોનાનાં કારણે અંતિમ ટેસ્ટ મેચ રમી શકી નહોતી. જે હવે રમાશે. ચાર ટેસ્ટ મેચ બાદ ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે અને મુકાબલાને ડ્રો અથવા જીતથી શ્રેણી ઉપર કબજો કરી લેવાની તક છે. આ મહત્ત્વના મુકાબલા પહેલા ઇંગ્લેન્ડ માટે નિરાશાજનક અહેવાલ સામે આવી રહ્યા છે. ઇંગ્લેન્ડનો મુખ્ય ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ન્યૂઝીલેન્ડ સામે લીડ્સમાં શરૂ થઈ રહેલી મેચમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નથી. કેપ્ટન બેન સ્ટોકસના કહેવા પ્રમાણે એન્ડરસનને ઈજા પહોંચી છે અને તેના કારણે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં રમી શકે તેમ નથી. બેન સ્ટોક્સે આગળ કહ્યું હતું કે, જેમ્સ એન્ડરસનને ઈજા પહોંચી હોવાથી જેમી ઓવરટન તેની જગ્યા લેશે. એન્ડરસન માટે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આગામી મહિને ભારત સામે પણ ટેસ્ટ મેચ રમવાના છે તેવામાં એન્ડરસનને લાગેલી ઈજા કેટલી ગંભીર છે તે જોવું પડશે. સ્ટોક્સના નિવેદન ઉપર લાગી રહ્યું છે કે એન્ડરસનનું ભારત સામેની ટેસ્ટ મેચમાં રમવું મુશ્કેલ છે.ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચમાં 72.4 ઓવર ફેંક્યા બાદ એન્ડરસનને ઈજા પહોંચી છે. 39 વર્ષીય એન્ડરસન સામે વય સૌથી મોટી મુશ્કેલી છે. ઇંગ્લેન્ડમાં ભારત સામે તે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. એન્ડરસન ઇંગ્લેન્ડમાં ભારત સામે 21 ટેસ્ટ મેચમાં 99 વિકેટ લઈ ચૂક્યો છે. તે 651 વિકેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં ત્રીજા સ્થાને છે. એન્ડસન પહેલા સૌથી વધારે વિકેટમાં મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે સૌથી પહેલા અને શેન વોર્ન 708 વિકેટ સાથે બીજા ક્રમાંકે છે.