ચાંગ ડેમ પાસે થયેલી કેબલ ચોરીના કેસમાં તસ્કર ઝડપાયો : બે ફરાર
રાપર, તા. 23 : ભચાઉ તાલુકામાં ચાંગ ડેમ પાસે બોરના કેબલની થયેલી ચોરીના કેસમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે વધુ બે જણની પણ સંડોવણી બહાર આવી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત તા. 23 મેના કંથકોટ ગ્રામપંચાયત, જડસા ગ્રામપંચાયત અને કંથડનાથ મંદિરના બોરના કેબલની ચાંગ ડેમ પાસેથી ચોરી થઈ હતી. આ મામલે સરપંચ સવજી ખીમજી સંઘારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી પ્રેમજી વાલાભાઈ કોલીને પોલીસે ઝડપી પાડયો હતો. તેના કબ્જામાંથી રૂા. 48 હજારની કિંમતનો બળેલો વાયર કબ્જે કરવામાં આવ્યો હતો. અન્ય બે ફરાર આરોપી નવીન સામા કોલી અને કમલેશ જગમાલ કોલીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.