થોડોક વરસાદ પડયો ને લાયસન્સ ટ્રેક થયો બંધ!
ભુજ, તા. 23 : અહીંની પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) સ્થિત વાહન લાયસન્સ માટેના આખરી ચરણ એવા ટેસ્ટ ટ્રેક પૈકી ફોરવ્હીલરનો ટેસ્ટ ટ્રેક ગઈકાલે નગરમાં પડેલા દોઢેક ઇંચ વરસાદ બાદ બંધ થઈ જતાં એક તરફ તંત્રના અધિકારીઓ તેને દુરસ્ત કરી ચાલુ કરવાની દોડધામમાં પડ્યા હતા, તો બીજી તરફ લાયસન્સ ઇચ્છુકો પરેશાનીમાં મુકાયા હતા. જાણવા મળ્યા મુજબ આજે પણ ટેસ્ટ ટ્રેક ચાલુ થઈ શક્યો ન હતો અને મોટાભાગે સોમવારથી ફોરવ્હીલર ટેસ્ટ ટ્રેક શરૂ થાય તેવી ધારણા છે. મળતી વિગતો મુજબ ગઇકાલના વરસાદ બાદ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ ક્ષતિ સર્જાતાં તે કામ કરવાનો બંધ થઈ ગયો હતો અને કાર સહિતના ફોરવ્હીલર વાહન માટે લાયસન્સ મેળવવા પરીક્ષા દેવા આવેલા લોકોને પરત ફરવું પડયું હતું. જાણકારોએ જણાવ્યું હતું કે આ ટેસ્ટ ટ્રેકની વાયરિંગ સહિતની સામગ્રીઓ જરીપુરાણી થઈ ગઈ છેતેમજ તેને લગતું સોફ્ટવેર પણ જૂનું છે. આટલું ઓછું હોય તેમ ટ્રેક પરના સેન્સરોને પણ આધુનિક વાઘાં પહેરાવવાની આવશ્યકતા છે. જૂના વાયરિંગ અને સોફ્ટવેર થકી આ ટેસ્ટ ટ્રેક પરની કામગીરી નજીકના ભૂતકાળમાં અનેક વખત ખોરવાઈ છે અને તેને કારણે લાયસન્સ ઈચ્છુકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર તાકીદે આ ટેસ્ટિંગ ટ્રેકને વારંવાર બગડતો અટકાવવા થાગડથીગડને બદલે કાયમી દુરસ્તી માટે પગલાં ભરે તેવી લોકો માગણી કરી રહ્યા છે.દરમ્યાન અત્યારે માત્ર ફોરવ્હીલર ટ્રેક બંધ થયો છે. ટુ-વ્હીલર ટ્રેક ઉપર પરીક્ષાની કામગીરી ચાલુ જ છે. વરસાદથી ટ્રેકના સેન્સરને નુકસાન થયું હતું અને આ સેન્સર નવું મગાવવામાં આવ્યું છે જે મોટા ભાગે આવતીકાલે આવી જાય તેમ હોવાનું જાણવા મળ્યું છે.