આર્દ્રાના આરંભે ચાર તાલુકામાં તોફાની વરસાદ : ભુજ દોઢ ઇંચ

આર્દ્રાના આરંભે ચાર તાલુકામાં તોફાની વરસાદ : ભુજ દોઢ ઇંચ
ભુજ, તા. 22 : વરસાદ માટે શુકનવંતા ગણાતા આર્દ્રા નક્ષત્રના પ્રારંભે કચ્છના અનેક વિસ્તારોમાં તોફાની મહેર વરસતાં સારા ચોમાસાના સંકેત મળ્યા છે. ભારે પવન અને મેઘગર્જના સાથે વરસેલા ધોધમાર વરસાદથી કેટલાક સ્થળે ઝાડ પડી જવા, હોર્ડિંગ્સ-કાચા પાતરાં ઉડવાના બનાવો બનવા સાથે વીજ વાયરો તૂટી પડતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જિલ્લા મથક ભુજમાં સર્વાધિક દોઢ ઇંચ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારો નખત્રાણા, અંજાર અને ભચાઉ તાલુકામાં વરસાદની હાજરી જોવા મળી હતી. નૈઋત્યના ચોમાસાંના આગમનની જોવાતી વાટ વચ્ચે જેઠિયા મીંએ પોતાનો તોફાની અંદાજ દેખાડયો હતો. 40.6 ડિગ્રી તાપમાને જેઠમાં ચૈત્ર જેવા તાપથી શેકાયેલા જિલ્લા મથક ભુજમાં સાંજના છ વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા પછી સવા છ વાગ્યાથી પવનના સુસવાટા અને મેઘગર્જના સાથે સાંબેલાધાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદનું જોર એટલું હતું કે, થોડી જ વારમાં  શહેરના મુખ્ય માર્ગો પાણી-પાણી થઇ ગયા હતા. ભારે પવનનાં પગલે આરટીઓ રિલોકેશન સાઇટ, કોલેજ રોડમાં વૃક્ષો પડી ગયાં હતાં, તો લીમડાવાડી શેરી, એસટી વર્કશોપ અને મહાદેવ ગેટ પાસે વીજ વાયરો પવનની  ઝોક ઝીલી ન શકતાં નીચે પડી જતાં તકેદારીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો.જિલ્લા કન્ટ્રોલ રૂમમાંથી મળેલી આંકડાકીય વિગત અનુસાર ભુજમાં લગભગ પોણો કલાકમાં 36 મિ.મી. એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વાણિયાવાડ, જ્યુબિલી સર્કલ, મંગલમ ચાર રસ્તા, જૂના બસ સ્ટેશન રોડ, મહેરઅલી ચોક, વોકળા ફળિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરંપરાગત સમસ્યા સર્જાઇ હતી. અણધાર્યા વરસાદનાં  પગલે વાહનચાલકો અને રાહદારીઓ ઊંઘતા ઝડપાયા હતા. - પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી : જિલ્લા કોંગ્રેસના પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટીએ આ ધોધમાર વરસાદી ઝાપટાંએ પ્રિમોન્સૂન કામગીરીની પોલ  ખોલી નાખી હતી.વરસાદના પાલર પાણી સાથે ગટરનાં પાણી વહેતાં હોટેલ પ્રિન્સ રેસિડેન્સીથી લઇ માંડવી ઓકટ્રોય સુધીના માર્ગ પર ભારે  જળભરાવ થતાં વાહનચાલકોને વ્યાપક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો હતો. દબાણના કારણે આ સમસ્યા  વકર્યાનો તેમણે આક્ષેપ કર્યો હતો. - ભુજ તાલુકામાં પાણી વહ્યાં : ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વડવા, હરૂડી ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં બપોર બાદ શેરીઓમાં વરસાદથી પાણી વહી નીકળ્યાં હતાં. અમુક વિસ્તારોમાં  સીમાડાનાં નાળાંમાં પાણી આવી ગયાં હતાં.  અંજાર તાલુકાના મથડા વાડી અને આજુબાજુના વિસ્તારોમાં પાણી વહી નીકળ્યાં હતાં. ગરમી/ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટાં પડયા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં ઠંડી પ્રસરી ગઇ હતી. - કંથકોટમાં અડધો ઈંચ : ચોબારીથી પ્રતિનિધિ રામજી મેરિયાના અહેવાલ મુજબ દિવસભરના ઉકળાટ બાદ સાંજે પોણા છના અરસામાં કંથકોટ ખાતે અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ થતાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી હતી. પવનનાં કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પડી જવા પામ્યા હતા તેવું ગામના આગેવાન રામજીભાઈએ જણાવ્યું હતું. વરસાદને પગલે ગામમાંથી ઝડપભેર પાણી વહી નીકળ્યાં હતાં. આસપાસના ભસવાવ તેમજ આધોઈ, તોરણિયા, હલરા વગેરે ગામોમાં આ વરસાદી ઝાપટાં વરસ્યાના અહેવાલ મળ્યા છે. - નખત્રાણા તાલુકામાં ઝાપટાંથી એક ઈંચ : અચાનક પલટાયેલા વાતાવરણ વચ્ચે નખત્રાણા તાલુકાના ઉગેડી, દેશલપર, જતાવીરા, મુરૂ, ધામાય, જિંજાય, ઐયર, આમારા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે જોરદાર ઝાપટાં વરસતાં રસ્તા પર પાણી વહી નીકળ્યાં હતાં. ઉપરોક્ત ગામો પૈકી ગત મૃગેસર નક્ષત્રના મધ્ય ભાગમાં જ્યાં વરસાદ વરસ્યો હતો ત્યાં જમીનમાં ફૂટી નીકળેલા ઘાસ વધુ ઊગશે તેવું માલધારી વર્તુળોએ જણાવ્યું હતું. ધીણોધર, અરલ નાની, બન્નીના તલ, છારી, ફુલાય, લૈયારીમાં છાંટા પડતાં પટ પલળતાં શુકન સચવાયા હતા તેવું છગનલાલે ઠક્કરે આપેલી વિગતમાં જણાવાયું હતું. `વરસ આર્દ્રા તો બારે માસ પાધરા' તળપદી ભાષામાં અંકિત આ ઉક્તિ અનુસાર આરંભ થયેલ નક્ષત્રમાં પુત્રના લક્ષણ પારણામાંની માફક ચોમાસાં વરસાદનો વર્તારો કેવો રહેશે તેનું પ્રમાણ આર્દ્રા નક્ષત્રના વરસાદનાં પ્રમાણ ઉપરથી અનુમાન કરી શકાય તેવું જાણકારોએ જણાવ્યું હતું. આકાશમાં ઘેરાયેલાં વાદળો વચ્ચે વધુ વરસાદ થવા માટેનો આળંગ વર્તાતો હોવાથી એક-બે દિવસમાં વધુ વરસાદ થવાની આશ જાગી છે. નખત્રાણા તાલુકાના રવાપર સહિત આજુબાજુ વિસ્તારમાં સવારથી જ ભારે ગરમી ને બફારા બાદ સાંજે પાંચથી છ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ઝાપટાંરૂપે હાજરી પુરાવી હતી. વીસ મિનિટના ઝાપટાંથી રસ્તા ભીંજાયા હતા અને ગરમીમાં થોડી રાહત થઈ હતી એવું શિવશંકર વાસુએ જણાવ્યું હતું. મોટી વિરાણીથી પ્રતિનિધિએ જણાવ્યું કે, બપોર બાદ બફારા બાદ કાળાડિબાંગ વાદળોની સવારી અને પવનદેવના તોફાને નખત્રાણા તા.ના ઐયર, આમારા, કરોલપીર વિસ્તારમાં ધમાકેદાર વરસાદની તોફાની છડીથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વાડીવિસ્તારના અમુક ઘરોના છાપરાંનાં પતરાં ઊડી ગયાં હતાં. અમુક દીવાલો પણ ધબાય નમ થઈ ગઈ હતી. કલાક ચાલેલા આ તોફાની 1 ઈંચ વરસાદથી શેરી-વોકળામાં જોશભેર પાણી વહી નીકળ્યાના વાવડ આમારાના માજી સરપંચ અલીભાઈ થૈમ તથા માજી સરપંચ વેરશીભાઈ આહીર, મુરૂના દીપક મહેશ્વરીએ વાવડ આપ્યા હતા.વિગોડીમાં પણ અડધા કલાક આવેલા વરસાદી ઝાપટાંથી જોશભેર પાણી વહ્યાંના ખબર હાજી મામદભાઈ ચાકીએ આપ્યા હતા. - ભુજમાં 8થી 10 ઝાડ પડયાં : દરમ્યાન ભારે પવનનાં પગલે ભુજમાં લાલન કોલેજ, પ્રમુખસ્વામી નગર, આત્મારામ સર્કલ, ઇલાર્ક હોટેલની પાછળ અને આર.ટી.ઓ. સાઇટ સહિત દસેક સ્થળે?ઝાડ પડયાં હતાં, જેના પગલે નગરપાલિકા દ્વારા ઝાડ હટાવવા સહિતની અન્ય કામગીરી હાથ ધરાઇ હતી. - ભચાઉની હાઇવે પટ્ટીનાં ગામો ભીંજાયાં : ભચાઉ નજીકના ખારોઇ, કકરવા સીમમાં હળવાથી ભારે ઝાપટાં સાથે પોણોથી એક ઇંચ વરસાદ પડયો હતો. કકરવા સીમ પણ વરસાદથી ભીંજાઇ હતી. ખારોઇ ગામે એકાદ કલાક વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો તેવું રાજુભાઇ ઉમરાણિયાએ જણાવ્યું હતું. ભચાઉ-હાઇવે પટ્ટી પર ધૂળની ડમરીઓ ઊડી હતી. કડોલમાં અડધોએક ઇંચ વરસાદ પડયો હતો. આ વરસાદ થકી નેર-કડોલ વચ્ચે થાંભલા પડી જતાં કડોલમાં અંધારપટ છવાઇ ગયો હતો એવું સવજીભાઇ આહીરે જણાવ્યું હતું. ભુજમાં પહેલા વરસાદમાં - આઠ વીજ ફીડર બંધ થયા : ભુજ, તા. 22 : આમ તો આજે ભુજમાં મોસમનો પહેલો વરસાદ પડતાંની સાથે જ વીજળી બંધ પડી જવાના બનાવ બન્યા હતા. પવન હોવાથી ક્યાંક પુરવઠો બંધ કરવો પડયો હતો. શહેરના આઠ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સાંજે અંધારું થઇ ગયું હતું. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સિટી-1માં ચાર ફીડર બંધ પડયા અથવા ક્યાંક કરવા પડયા હોવાથી 8થી 10 રહેણાંકની ખાસ કરીને સંસ્કારનગર, રાવલવાડી, કોલેજ રોડ જેવી સોસાયટીમાં લાઇટ?બંધ પડી ગઇ?હતી. એવી જ રીતે સિટી-2ના આર.ટી.ઓ., સ્ટેશન રોડ, ભીડ ગેટ સહિતના વિસ્તારોમાં ચાર ફીડરમાં ખોટિપો થયો હતો. જો કે, બંને સબ ડિવિઝનના નાયબ ઇજનેર શ્રી ઠક્કર તથા શ્રી સુવેરાએ જણાવ્યું કે, ટીમો કામે લાગી છે, ઝડપભેર પૂર્વવત્ કરવામાં આવે છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer