ભારતીય મૂલ્યોને અનુસરી સમાજનું ઋણ અદા કરજો

ભારતીય મૂલ્યોને અનુસરી સમાજનું ઋણ અદા કરજો
હેમાંગ પટ્ટણી દ્વારા - ભુજ, તા. 22 : તમારા કાર્યક્ષેત્રમાં યશ-કીર્તિ મેળવવા સાથે રાષ્ટ્ર-સમાજ અને પરિવારના વિકાસ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી ભારતીય સંસ્કૃતિના જતનમાં પોતાનું યોગદાન આપજો તેવી શીખ કચ્છ યુનિ.ના પદવીપ્રાપ્ત છાત્રોને રાજ્યપાલ અને યુનિ.ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત દ્વારા આપવામાં આવી હતી. 11મા પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાજ્યપાલે ભાવિ પેઢીના ઘડતર સાથે સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય કરતી કચ્છ યુનિ.ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના 6296 છાત્રને પદવી, તો 18 છાત્રાઓને સુવર્ણ ચંદ્રક અનાયત કરાયો હતો. સુવર્ણ ચંદ્રક મેળવવામાં દીકરીઓનો દબદબો રહ્યો હતો. પદવીપ્રાપ્ત છાત્રોને ઓનલાઇન માધ્યમથી સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, તમે પદવી મેળવી તમારા કાર્યક્ષેત્રમાં યશ-કીર્તિ પ્રાપ્ત કરજો પણ તમારા પરિવાર અને સમાજ પ્રત્યે જે જવાબદારી વહન કરવાની છે તેમાં પાછા ન પડતા તેમ કહી ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોને આધાર બનાવજો તેવી અપીલ સહ આહ્વાન કર્યું હતું. કુલાધિપતિએ કહ્યું કે, આ યુનિ.નું નામ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા સાથે જોડાયેલું છે ત્યારે વિદ્યાર્થીઓને શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત્ર વાંચી તેને પોતાનાં જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. સુવર્ણ ચંદ્રક મેળવવામાં દીકરીઓએ ફરી અગ્રેસરતા દેખાડી છે તે વાતનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રીએ મહિલા વિકાસ માટે અનેકવિધ યોજના અમલી બનાવી છે ત્યારે નારી સશક્તિકરણનું આથી વધુ સક્ષમ ઉદાહરણ બીજું કોઇ હોઇ ન શકે. તેમણે વિદ્યાર્થીઓને પ્રકૃતિનું જતન કરવા માટે સંકલ્પબદ્ધ થવા જણાવી ગ્લોબલ વોર્મિંગથી બચવું હશે તો પ્રાકૃતિક ખેતી તેનો એકમાત્ર આધાર હોવાનું કહી વિદ્યાર્થીઓને પોતાના જન્મ દિવસ, માતા-પિતાની લગ્ન વર્ષગાંઠ સહિતના શુભ પ્રસંગે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવાનો આગ્રહ કર્યો હતો. અમૃત મહોત્સવ અંતર્ગત કોરોના રસીકરણ, પર્યાવરણ સ્વચ્છતા, જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, ફિટ ઇન્ડિયા, નશાબંધી, કુરિવાજ નિવારવા સહિતના પાંચ પ્રકલ્પોનાં કામ કચ્છ યુનિ.એ સારી રીતે કર્યાનો ઉલ્લેખ કર્યો હતો.વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે કહ્યું કે, યુનિવર્સિટીઓમાં શિક્ષણની સાથે સામાજિક-સેવાકીય પ્રવૃત્તિઓ જરૂરી હોવાનું કહી દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીએ 2003ની સાલમાં કચ્છને આપેલી આ મહામૂલી શિક્ષણની ભેટ આજે છોડમાંથી વટવૃક્ષ બની છે. તેમણે પદવીપ્રાપ્ત છાત્રોને જીવનમાં નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરી ઉજ્જ્વળ કારકિર્દી બનાવવા અપીલ કરી હતી. નીમાબેને કહ્યું કે, અપાણે વૈશ્વિક સ્પર્ધાના યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે આત્મનિર્ભર બની રોજેરોજ કંઇક નવું શીખવાની ધગશ કેળવવાની શીખ આપી હતી. તેમણે કચ્છ યુનિ.ને સતાવતી વિવિધ સમસ્યાઓનો વ્યવહારુ અને વેળાસર ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. શિક્ષણ રાજ્યમંત્રી કુબેર ડિંડોરે પણ વર્ચ્યુઅલી સંબોધન કરતાં 21મી સદી પ્રગતિની છે અને કચ્છ તેમાં અગ્રેસર છે. તેમણે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી નવી શિક્ષણનીતિના માધ્યમથી શિક્ષણ વિકાસની નવી કેડી કંડારવા આહ્વાન કરી રાજ્યની યુનિવર્સિટીઓમાં માળખાકીય સુવિધા વિકસે તે માટે સરકારની પ્રતિબદ્ધતા દેખાડી હતી. પદવીદાન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. જયરાજાસિંહ જાડેજાએ જણાવ્યું કે કોરોના જેવા કપરા સમયમાં પણ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય અટક્યું નથી. કચ્છ યુનિવર્સિટીએ શિક્ષણની સાથે સામાજિક જવાબદારી નિભાવીને અનેક ક્ષેત્રોમાં સેવાકીય કાર્યોમાં સહભાગીદારી નોંધાવી છે. 1 લાખથી વધારે વૃક્ષ વાવવાનું કાર્ય હોય કે પછી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવવાનું કાર્ય હોય કચ્છ યુનિવર્સિટી અગ્રેસર રહી છે. યુનિવર્સિટીએ વિવિધ 50 આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમઓયુ કર્યાં છે. નવી શિક્ષણનીતિને યુનિવર્સિટી પ્રાથમિકતા આપી રહી છે અને તેને લઈને 15થી વધારે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.સમારોહને ખુલ્લો મૂકવા કુલ સચિવ ડો. જી. એમ. બુટાણીએ વિનંતી કર્યા બાદ આર્ટસ, કોમર્સ, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા અને મેડિસીન વિભાગના ડીન એવા ડો. કશ્મીરા મહેતા, ડો. પી. એમ. હીરાણી, ડો. ગિરીશ બક્ષી, ડો. ગોહિલ અને ડો. જી. એમ. બકરાણિયાએ પદવી એનાયત કરવાની વિધિ હાથ ધરી હતી. આ સમારોહમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ જે. જે. વોરા, બિરસા મુંડા, ટ્રાઇબલ યુનિ.ના ડો. મધુકાંત પાડવી, ભાવનગર યુનિ.ના એમ. એમ. ત્રિવેદી, સોમનાથ યુનિ.ના લલિત પટેલ, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. ગિરીશ ભીમાવત, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ નાણામંત્રી બાબુભાઇ મેઘજી શાહ, જાદવજી વરસાણી, દર્શનાબેન ધોળકિયા સહિત વિવિધ કોલેજના આચાર્યો, અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંચાલન પંકજ ઠક્કર અને શીતલ બાટીએ, આભારવિધિ પરીક્ષા નિયામક ડો. તેજલ શેઠે કરી હતી. - યુનિ.ના પડતર પ્રશ્નોના ટૂંક સમયમાં ઉકેલની ખાતરી : ભુજ, તા. 22 : કચ્છ યુનિ.ને જે પ્રશ્નો સતાવી રહ્યા છે તેનો ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેને આપી હતી. કચ્છમિત્ર સાથે ખાસ વાતચીતમાં નીમાબેને પ્રસિદ્ધ થયેલા અહેવાલને ટાંકી યુનિ.ને નેકની માન્યતા મળે તે માટે 12 અધ્યાપકની ભરતી કરવા માટેની પ્રક્રિયા શિક્ષણ વિભાગે પૂર્ણ કરી લીધી છે. હવે નાણાં વિભાગમાં આ ફાઇલ અટકેલી છે જેનું પણ નિરાકરણ લાવવા માટે તેમણે તબક્કાવાર સંબંધિતો સાથે બેઠક યોજી છે. નોન ટીચિંગ સ્ટાફનો મુદ્દો સબજ્યુડિશિયલ છે તે મુદ્દે પણ તેમણે બિનશૈક્ષણિક કર્મચારીઓ સાથે વાતચીત કરી વ્યવહારુ ઉકેલ માટેની ખાતરી આપી હતી. કચ્છમિત્રે રજૂ કરેલા અહેવાલમાં વચન દાનની આશા રાખી તેની સામે આ મહત્ત્વની ખાતરી મળી હતી. - પહેલવાનો હવે તો સજાગ બનો : રાજ્યપાલની ટકોર : કચ્છ યુનિ.ના પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રાજ્યપાલ ડો. આચાર્ય દેવવ્રતે પહેલવાનો હવે તો સજાગ બનો તેવી સૂચક ટકોર કરતાં કહ્યું કે, માત્ર કચ્છ નહીં રાજ્યની મોટાભાગની યુનિ.માં ગોલ્ડમેડલ મેળવનારાઓમાં દીકરીઓએ દીકરાઓને પછાડી નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. હવે  પહેલવાનોને પણ શિક્ષણ ક્ષેત્રે જાગૃત થવાની જરૂર છે. નોંધનીય છે કે, સુવર્ણચંદ્રક મેળવનાર તમામ દીકરીઓ છે. આદિપુર કોલેજના આચાર્યે છાત્રા વતી મેડલ સ્વીકારી જાણે કે લાજ રાખી હતી. - મંચસ્થ મહેમાનો સતત ઘટયા : યુનિ.ના પદવીદાન સમારોહમાં મંચસ્થ મહેમાનો સતત ઘટયા હતા અને આ સમારોહમાં લોકપ્રતિનિધિની રૂએ માત્ર વિધાનસભા અધ્યક્ષાની સાથે કુલપતિ-કુલસચિવની હાજરી રહી હતી. રાજ્યપાલ અને શિક્ષણ?રાજ્યમંત્રીએ છેલ્લી ઘડીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેવાનું નક્કી કર્યા બાદ સાંસદ વિનોદ ચાવડા પણ સમારોહમાં પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા નહોતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer