ધર્મ અને પરમાર્થ એ સાધુજીવનનું લક્ષ્ય

ધર્મ અને પરમાર્થ એ સાધુજીવનનું લક્ષ્ય
ગિરીશ જોશી દ્વારા - ભુજ, તા. 23 : જૈન સંપ્રદાયમાં ક્રાંતિકારી અને રાષ્ટ્રીય સંતની ઉપાધિ મળી છે એવા પૂજ્ય નમ્ર મુનિ મહારાજ પહેલી વખત કચ્છમાં ચાતુર્માસ ગાળવાના છે ત્યારે ચાતુર્માસ પ્રવેશ પૂર્વે નેચરોપેથીની સારવાર લેવા આવી પહોંચ્યા છે. તેમણે `કચ્છમિત્ર'ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચોમાસાંના ચાર મહિના સ્વની સાધના સાથે સર્વેની સાધના કરવાનો હેતુ છે. મૂળ ગોંડલ સ્થાનકવાસી સંપ્રદાયના જૈન મુનિની લોકપ્રિયતા અપાર છે. ખાસ કરીને મુંબઇ અને ભારતના જુદા જુદા પ્રાંતોમાં યુવાવર્ગનું ખાસ આકર્ષણ છે એટલે તો તેમણે અર્હમ યુવા ગ્રુપની સ્થાપના કરી હોવાથી હજારો યુવાનો તેમાં જોડાયા છે. યુવાનો તમારી સાથે વધુ છે અને ટેકનોલોજી સાથે જૈન મુનિ કદમ મિલાવે તે વાત સાચી છે. તેમણે જણાવ્યું કે, 2007માં મુલુંડમાં ચાતુર્માસ હતા અને વરસાદ થયો, અનેક લોકોને બેઘર બનેલા જોયા ને યુવાનોને પ્રેરણા આપી ત્યારથી અર્હમ યુવા ગ્રુપની સ્થાપના થઇ ને અલગ-અલગ પ્રકારની સેવા ચાલે છે. દર વરસે પાંચ હજાર ડાયાલિસીસ, ગરીબોને ભોજન અપાય છે. હજારોનાં ઓપરેશન કરાવ્યાં છે. આ સેવાનાં માધ્યમથી યુવાનોને એક જ વાત શીખવાડવામાં આવે છે કે, સોમવારથી શનિવાર તમારા છે, રવિવાર માનવતા અને મહાવીર માટે રાખજો. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરો છો સેવા માટે, તો તેમણે જવાબ આપ્યો કે, જે કારણથી લોકોનાં હૃદય સુધી પહોંચીને ધર્મનાં માધ્યમથી કાર્ય કરવામાં આવે તેમાંય ટેકનોલોજી જો નિરાશામાંથી બહાર લાવવા ઉપયોગી હોય તો કરવું જોઇએ. બાકી લોકોની કેટલીક ભ્રમણાઓ હોય છે એ દૂર થતી નથી. કચ્છમાં પહેલી વખત આવ્યો છું, પરંતુ કચ્છથી પરિચિત છું, અનેક કચ્છીઓ સાથે સંપર્કમાં છું. મૂળરાજભાઇ?છેડા, પ્રવીણભાઇ?છેડા અને સમગ્ર એસ.પી.એમ. પરિવારની ઇચ્છા-લાગણીનો સ્વીકાર કરીને ચોમાસું ગાળવા કચ્છ આવ્યો છું. ભવ્ય નહીં, દિવ્ય ચોમાસું કરવું છે. કચ્છની આ પાવન અને સેવાકાર્યોથી દીપી ઉઠેલી ધરતી છે. અહીં આત્મધ્યાનના શિબિર કરવાના છે, જૈન ધર્મના 32 આગમ, શાત્રોનું વાંચન કરી આજની પેઢીને જીવન જીવવાની કળા વિશે બોધ આપવામાં આવશે. જૈન સંપ્રદાયમાં વાડાબંધી છે? આ પ્રશ્ને જવાબ આપ્યો કે, બિલકુલ નહીં. જે અલગ-અલગ ગચ્છ છે એ વ્યવસ્થાનો ભાગ છે. બધા જ આખરે મહાવીરને જ માને છે. જીવદયા વિશે વાત કરતાં કહ્યું કે, કચ્છનો ડંકો વાગે છે અને જીવદયાને જૈનો નહીં, બધા જ સંપ્રદાય માને છે. અમે પણ 150 પાંજરાપોળ ચલાવીએ છીએ. કચ્છના જૈન દાતાઓ હંમેશાં હાથ લંબાવતા આવે છે. તેમની પાઠશાળામાં 100 દીદી કચ્છી છે. કચ્છી દીકરીઓ અમારા સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરી ચૂકી છે. સંથારાનો વિવાદ થયો હતો, તમે તો રાષ્ટ્રીય સંત છો, તમારા મતે સંથારો શું છે ? આ પ્રશ્ન સામે કહ્યું કે, ઇચ્છામુક્ત મૃત્યુ એટલે સંથારો. જીવવાની ઇચ્છા હોવા છતાં મરવું એ આપઘાત છે. ઇચ્છામુક્ત થઇ ગયેલાની આરાધના છે, જીવન પ્રત્યેનો રાગ નથી. ઇચ્છા એ જ સંથારો છે એવી સરળ ભાષામાં નમ્ર મુનિએ સમજ આપી હતી. નમ્ર મુનિજી કચ્છમાં પહેલી વખત આવ્યા છો તો કચ્છના જૈન સંપ્રદાયને શું સંદેશ આપશો ? તો તેમણે કહ્યું કે, પોતાના આત્માને મળવું એ ધર્મ છે. સૌના આત્માનો કલ્યાણભાવ સર્જવો એ પરમાર્થ છે. ધર્મ અને પરમાર્થ એ સાધુ જીવનનું લક્ષ્ય છે એવી વાત કરીને તેમણે ક્યાંક કચ્છી શબ્દોનો પ્રયોગ કર્યો હતો. પોતાનાં વૈરાગ્ય જીવન પહેલાંની વાત કરતાં કહ્યું કે, 32 વર્ષ પહેલાં જ્યારે દીક્ષા લીધી ન હતી એ સમયે મુંબઇમાં કચ્છી કાપડના વેપારી પાસે નોકરી કરી છે. નોકરી દરમ્યાન જ પ્રભુ નજીક હોવાનો અણસાર આવ્યો ને વૈરાગ્ય લેવાનું મન થઇ?ગયું એટલે જ દીક્ષાનો માર્ગ અપનાવી લીધો હતો. મારી માતાજી પણ દીક્ષા લઇ ચૂક્યાં છે. એક ગુજરાતી મેગેઝિનમાં નક્સલવાદીઓ તરફથી ધમકી મળી હોવાનો હેવાલ પ્રગટ થયો હતો એ પ્રશ્ને તેમણે કહ્યું કે, એ વાત સાવ ખોટી હતી. તા. 3 જુલાઇના પુનડી એસ.પી.એમ. આરોગ્યધામ ખાતે નમ્ર મુનિજી મહારાજનો ચાતુર્માસ પ્રવેશ થવાનો હોવાથી આ માટેની તૈયારી ચાલે છે. અત્યંત સાદી રીતે પ્રવેશ થશે એવી પણ વિગતો પ્રાપ્ત થઇ હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer