કચ્છનું ઊંટપાલન દેશ માટે પ્રેરક

કચ્છનું ઊંટપાલન દેશ માટે પ્રેરક
ભુજ, તા. 22 : કચ્છમાં ઊંટની વસ્તી 15 ટકા વધી છે ત્યારે રણપ્રદેશમાં ઊંટડીનાં દૂધનો સંગ્રહ કરીને બજાર સુધી પહોંચાડવાના પ્રયાસો અન્ય પ્રદેશો માટે પ્રેરણાદાયક છે તેવું દેશના પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ બુધવારે જણાવ્યું હતું. પશુપાલકોના પ્રશ્નો ઉકેલવાની તેમણે ખાતરી આપી હતી.િવશ્વ ઊંટ દિવસ'ની ઉજવણી નિમિત્તે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા શહેરના લોહાણા ભવનમાં યોજિત કાર્યક્રમમાં કચ્છ સાથે ભરૂચ, ભાવનગર, જામનગર, દ્વારકા તેમજ છેક રાજસ્થાનથી આવેલા ઊંટપાલક સમુદાયને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધતાં શ્રી રૂપાલાએ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલના નેતૃત્વ હેઠળ ઊંટપાલકોના સશક્તિકરણની સરહદ ડેરીની પહેલને બિરદાવી હતી. ચારસોથી વધુ ઊંટપાલકોની ઉપસ્થિતિ વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ ઊંટોના આરોગ્યની સુરક્ષાની ખાતરી આપી હતી. જિ.પં. કારોબારી સભ્ય મહેન્દ્રભાઇ ગઢવીએ ઊંટપાલન માટે ખુલ્લા ચરિયાણનાં મહત્ત્વ પર ભાર મુક્યો હતો. સરહદ ડેરીના ડો. લાલવાણીએ ઊંટના આરોગ્ય અને દૂધની ગુણવત્તા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સહજીવનના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશભાઇ ભટ્ટીએ સંગઠન અને દૂધની બજાર વ્યવસ્થામાં ભૂમિકા વધારવા યુવાનોને અપીલ કરી હતી. કચ્છના પશુપાલન નિયામક ડો. હરેશભાઇ ઠક્કરે કચ્છનું ઊંટપાલન અન્ય પ્રદેશોને પ્રેરણા આપનારું હોવાનું જણાવ્યું હતું. પ્રતાપસિંહ જાડેજા, નૂરમામદ જતે કચ્છી, ખારાઇ ઊંટોના પાલનમાં ચરિયાણની વ્યવસ્થા વિશે માર્ગદર્શન આપ્યું હતું. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ઊંટપાલકો સાથે 10 વર્ષ કામગીરી કરવા બદલ સહજીવનના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર મહેન્દ્ર ભાનાણીનું સન્માન કર્યું હતું. આયોજક સંગઠનના પ્રમુખ આશાભાઇ રબારી, ભીખાભાઇ રબારીના માર્ગદર્શન હેઠળ વિશ્વા ઠક્કર, જબાર સમા, મહેશ ગરવા સહિત યુવા કાર્યકરો સહયોગી રહ્યા હતા. વેલજીભાઇ રબારી, સગુણાબેન રબારીએ સંચાલન, વંકાભાઇ રબારીએ આભારવિધિ કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer