ભુજમાં ગેસલાઈનનાં કામમાં ઊઠતી વ્યાપક ફરિયાદો

ભુજમાં ગેસલાઈનનાં કામમાં ઊઠતી વ્યાપક ફરિયાદો
ભુજ, તા. 22 : શહેરમાં અનેક જગ્યાએ ગુજરાત ગેસ દ્વારા થતી કામગીરી સામે નારાજગી ઊઠી છે. ગેસલાઈન નાખ્યા બાદ ખાડા જેમ-તેમ પૂરી નાખી આસપાસથી પૂર પણ અનેક દિવસો સુધી જેમનું તેમ મૂકી દેવાય છે. વળી, કામગીરી પૂર્ણ થયા બાદ ભુજ સુધરાઈને જાણ સુદ્ધાં ન કરાતાં રાહદારીઓ-વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજમાં ગુજરાત ગેસ દ્વારા લાઈન નાખવાનું કામ ચાલુ છે, જે અંતર્ગત નવા બસ સ્ટેશન પાસે, હરસિદ્ધિનગર, એસ.ટી. વર્કશોપ સહિત અનેક જગ્યાએ કામ પૂરું થઈ ગયા બાદ ખાડા આડેધડ પૂરી નખાય છે. તેમજ આસપાસથી પૂર ન ઉપાડાતાં અનેક દિવસો સુધી રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે અવરોધરૂપ બની પડયું રહે છે. વળી, જે વિસ્તારમાં કામગીરી કરાય છે અને પૂરી થઈ જાય છે તે અંગે સુધરાઈમાં જાણ સુદ્ધાં ન કરાતાં લોકોને દિવસો સુધી પરેશાની ભોગવવી પડતી હોવાની લોકફરિયાદ ઊઠી છે. આ અંગે ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ગેસલાઈન નાખવા માટે ખાડો ખોદાય છે, લાઈન નાખ્યા બાદ પાણી છાટી ચાર-પાંચ દિવસ સુધી એમ જ રહેવા દેવું પડે, માટી બેસી ગયા બાદ ફિનિસિંગ કરવાનું હોય છે અને ત્યારબાદ સુધરાઈને જાણ કરાય એટલે માર્ગ પર પેચનું કામ કરાય છે. લોકફરિયાદને પગલે થોડા દિવસ પહેલાં જ લાઈન નાખવાનું કામ અટકાવી દેવાયું હતું, પણ સંસ્કારનગરના પ્રતિનિધિ મંડળની રજૂઆતને પગલે કામ ચાલુ કરવા મંજૂરી અપાઈ હતી. વરસાદ નજીક છે ત્યારે લાઈનનું કામ કરનારાઓને લોકફરિયાદને પગલે તાકીદ કરાઈ છે અને તેમ છતાં જો સુધારો નહીં દેખાય તો બાકી જગ્યાએ કામ કરવા નહીં દેવાય તેવું શ્રી ઠક્કરે ઉમેર્યું હતું. આ બાબતે ગેસલાઈન પાથરવાના કામ પર દેખરેખ રાખતા ઈન્જિનીયર કૈલાસભાઈનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, કામગીરી યોગ્ય રીતે જ થાય છે તેમ છતાં કોઈ સ્થળે ફરિયાદ હશે તો તેનો નિકાલ કરાશે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer