ગાંધીધામ સંકુલમાં વેચાતું આયુર્વેદિક સિરપ નશાખોરો શરાબના વિકલ્પે વાપરી રહ્યા છે !

ગાંધીધામ સંકુલમાં વેચાતું આયુર્વેદિક સિરપ નશાખોરો શરાબના વિકલ્પે વાપરી રહ્યા છે !
ગાંધીધામ, તા. 22 : રાજ્યમમાં દારૂબંધી વચ્ચે આ શહેર અને સંકુલમાં નશીલો કાળો કારોબાર પાંખો વિસ્તારી રહ્યો છે. આયુર્વેદિક સિરપના નામે અમુક દુકાનોમાં ખુલ્લેઆમ માનવશરીર માટે હાનિકારક મનાતા માદક પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. કડક દારૂબંધી વચ્ચે નશેડીઓ કોઈ પણ રીતે નશાનો મેળ કરી લેતા હોય છે. કેફીપીણાના બંધાણીઓ નશો કરવા માટે અવનવા કીમિયા અજમાવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ સંકુલમાં આયુર્વેદિક દવાનો ઉપયોગ નશીલા પીણા તરીકે કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ દવા મેડિકલ સ્ટોરમાંથી મળતી હોય છે, પરંતુ આ આયુર્વેદિક દવા પાનના ગલ્લા વગેરે જગ્યાએ પણ વેચાઈ રહી છે. મોટાભાગે પથરીના નિદાન માટે દર્દીઓને તબીબો દ્વારા પ્રિસ્કિપ્શન આપવામાં આવે છે, પરંતુ આયુર્વેદિક આ દવામાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોવાથી વધારે ડોઝ લેવો દર્દીના સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી તેવું તબીબો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય બહારથી આવતા અને બુટલેગરો દ્વારા વેચાતા બિયરના ટીનમાં પાંચ કે સાત ટકા આલ્કોહોલ રહેલું હોય છે તે પણ માણસને નશામાં લાવી દે છે, ત્યારે આ આયુર્વેદિક સિરપમાં તો 11 ટકાની આસપાસ આલ્કોહોલ હોય છે. આવી સિરપની બોટલ ઉપર જ સ્વનિર્મિત આલ્કોહોલ 11 ટકાથી વધુ નહીં તેવું લખેલું હોય છે. આવી આલ્કોહોલવાળી દવા અને પીણાં આ શહેર સંકુલમાં વેચાઈ રહ્યા છે ત્યારે લોકોમાં પ્રશ્ન ઊઠયો છે કે મેડિકલ સિવાય આવી દવા અન્ય જગ્યાએ વેચી શકાય ખરી ? પથરીના દર્દના નિદાન માટે બતાવાતા આવા આયુર્વેદિક સિરપનો અહીંના યુવાનો નશા તરીકે ઉપયોગ કરે છે. સરળતાથી અને ખુલ્લેઆમ મળતી આ દવાની એક બોટલમાં દારૂના એક પેગ જેટલો નશો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બે બોટલ પીધા પછી અમુક લોકો સંતુલન ખોઈ બેસતા હોવાનું પણ ઉમેર્યું હતું. અમુક કંપનીની આવી આયુર્વેદિક મનાતી દવા રાજસ્થાન બાજુથી તો અમુક દવા અહીં સ્થાનિકે જ બનાવાતી હોવાનું બહાર આવ્યું હતું. આ આયુર્વેદિક દવા બનાવનારાઓ પાસે સરકારની માર્ગદર્શિકા પ્રમાણેના પ્રમાણપત્રો છે કે નહીં તેવું પણ લોકો પૂછી રહ્યા છે. આ સંકુલના લોકો નશો કરવા અવનવા કીમિયા અપનાવી લેતા હોય છે ત્યારે આયુર્વેદિક દવાનો પણ નશા તરીકે ઉપયોગ કરાતાં ભારે ચકચાર પ્રસરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer