ગાંધીધામની ભાગોળે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી ત્રાટકી

ગાંધીધામ, તા. 22 : તાલુકાની ખારી રોહર સીમમાં આવતા ઈન્દિરાનગર વિસ્તારમાં એક મકાનમાં એલસીબીએ છાપો મારી અહીંથી રૂા. 6,240નો દોશી દારૂ ઝડપી પાડયો હતો તેમજ મહિલા બુટલેગર સહિત ત્રણ શખ્સોની અટક કરાઈ હતી. શહેરની ભાગોળે આવેલા ઈન્દિરાનગર વિસ્તારમાં રહેનાર નીતાબેન રાજુ કોળી પોતાના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ગાળતી હોવાની પૂર્વ?બાતમીના આધારે પોલીસે આજે બપોરે અહીં છાપો માર્યો હતો. પોલીસ આ મહિલાનાં મકાનમાં પહોંચી ત્યારે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હતી. અહીં ચૂલા ઉપર લોખંડના 6 બેરલ ચડાવેલા હતા અને તેની બાજુમાં સુરેશ મુકેશ રાજપૂત તથા નારણ હમીર કોળી નામના શખ્સો હાજર મળ્યા હતા. આ બન્ને નીતા કોળીના માણસો હોવાની કેફિયત આપી હતી. આ મહિલાએ પોતાનાં મકાનમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકો બનાવી તેમાં દેશી દારૂ માટેનો આથો સંગ્રહ કરી રાખ્યો હતો અને જરૂરિયાત મુજબ વીજ મોટરથી પાણીની જેમ તેને બહાર કાઢી તેનો ઉપયોગ કરાતો હતો. આ ટાંકામાંથી પોલીસે મોટર વડે 3000 લિટર આથો બહાર કાઢ્યો હતો. અહીંથી તૈયાર દેશી દારૂ રૂા. 6,240નો 312 લિટર, ગરમ આથો 600 લિટર, રૂા. 6000નો 3000 લિટર ઠંડો આથો, વીજ મોટર, એલ્યુમિનિયમના ઘમેલા, કરવાફૂલ વગેરે મળીને કુલ રૂા. 17,640નો મુદ્દામાલ જપ્ત કરી નીતા કોળી તથા તેના બે માણસોની પોલીસે અટક કરી હતી.