લાકડિયા ખાતે પોલીસવડાએ લોકદરબાર યોજી સમસ્યાઓ જાણી

રાપર, તા. 22 : પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આડેસર પોલીસ મથકે લોકદરબાર યોજ્યા બાદ પોલીસવડાએ લાકડિયા ખાતે પણ મુલાકાત લઈ લોકો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ કટારિયા ખાતે પણ અનુ. જાતિ સમાજના લોકો સાથે બેઠક યોજી હતી. પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડિયા દ્વારા લાકડિયા પોલીસ મથકનું વાર્ષિક ઈન્સપેકશન કરવામાં આવ્યું હતું. તેમજ પરેડનું નિરીક્ષણ કરાયું હતું. લોકદરબારમાં પોલીસ મથક વિસ્તારમાં કયા ગુના વધારે બને છે, લોકોને શું સમસ્યા છે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સરપંચ સુલેમાન ગગડા, લાકડિયા ઠાકોર બલભદ્રસિંહ, ભચાઉ તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગિરજાશંકર કહારાજ લાભશંકર ગામોટ, જેઠુનાથ બાવાજી, કોલી સમાજના આગેવાનો રમેશભાઈ કોલી, સામજી કોલી, કટારિયાના સરપંચ દિલીપદાન ગઢવી, શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જૂના કટારિયા ગામમાં પોલીસવડાએ મુલાકાત લીધી હતી. અનુ. જાતિ સમાજના ભાઈઓ-બહેનોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. નાયબ પોલીસવડા કે. જી. ઝાલા, લાકડિયા પી.આઈ. આર.આર. વસાવા સાથે રહ્યા હતા.