સાચી વાત રજૂ કરીને મિડીયા નાગરિકોનો અવાજ બને છે

ભુજ, તા. 22 : ભુજ ખાતે યોજાયેલા ગુજરાત ફર્સ્ટ ચેનલના સંવાદ સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, મીડિયા ત્રીજું નેત્ર છે. ઈલેકટ્રોનિક હોય કે પ્રિન્ટ મીડિયા, મીડિયા સાચી વસ્તુ લોકોની સમક્ષ રજૂ કરી તેઓ નાગરિકોનો અવાજ બને છે. આઝાદીના 75 વર્ષમાં પ્રજા અને જીવનમાં જાગૃતિ અને અભિવ્યક્તિ અને અગત્યના છે. મીડિયા પ્રતિનિધિઓ ફરજ નિભાવે છે. એક નવી ટેકનોલોજી સાથે ચેનલ આગળ વધે છે તેવું તેમણે જણાવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છના એસ.પી. સૌરભસિંઘ, કચ્છમિત્ર તંત્રી દીપકભાઈ માંકડે અને નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. સંમેલનમાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, અંજારના નગરપતિ લીલાવંતીબેન પ્રજાપતિ, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના રાજેશભાઈ ભટ્ટ, ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલભાઈ અજાણી, નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ, એ.સી.બી.ના પોલીસ અધિકારી શ્રી ગોહિલ, વરિષ્ઠ આગેવાન મહેશભાઈ ઠક્કર, શંકરભાઈ સચદે, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી તેમજ ભુજ શહેરના વિવિધ સમાજો, સંસ્થાઓ અને વિવિધ પક્ષોના અગ્રણીઓએ અને ઉપસ્થિત મીડિયા કર્મીઓએ વિવિધ કાર્યક્રમો અંગે વાત કરી હતી. ચેનલના મેનેજિંગ ડાયરેકટર જસમીનભાઈ પટેલ, એડિટર દીપકભાઈ રાજાણી, દતુભાઈ ત્રિવેદી, ચેનલના કચ્છ જિલ્લાના પ્રતિનિધિ કૌશિક છાયા, નરેશભાઈ વિજુડા, અસરાન તુર્ક, સલીમ સમા, અયાજ સિદ્દીકી હાજર રહ્યા હતા.