આદિપુરથી દેવળિયા વચ્ચે રેલવેના વાયર ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ
ગાંધીધામ, તા. 22 : આદિપુરથી દેવળિયા બાજુ જતી રેલવેલાઇન ઉપર ઇલેક્ટ્રિફિકેશનનું કામ થઇ રહ્યું છે. અહીંથી બે રાત્રિ દરમ્યાન રૂા. 3,22,200ના 1611 મીટર વાયરની ચોરી થઈ હતી. આ પ્રકરણમાં એસ.ઓ.જી.એ પાંચ શખ્સોની અટક કરી 1,27,000નો 635 મીટર વાયર જપ્ત કર્યો હતો.આદિપુરથી દેવળિયા બાજુ જતી રેલવે લાઇન પરથી ગત તા. 13/6 અને 14/6ની રાત્રિ- વહેલી પરોઢે ચોરીનો બનાવ બન્યો હતો. પ્રથમ વખત 1287 મીટર તથા બીજી વખત 2324 મીટર વાયર કુલ્લ કિંમત રૂા. 3,22,200નો ચોરી જવાયો હતો, જે અંગે ભારત સિક્યુરિટીના જસવિંદર સિંઘ કર્નલસિંઘ રાજપૂતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ પ્રકરણમાં બે બાઇક ઉપર જતા પાંચ શખ્સોને પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ પકડી પાડયા હતા. પોલીસે પકડી પાડેલા શખ્સોમાં દેવરિયા ગામના ઇબ્રાહીમ જાનમામદ મથડા, હુશેન જાનમામદ મથડા, મોખાના આરીફ શરીફ સમા, અંજારના રાહુલ વાલજી કોળી ઉર્ફે કરીમ સલીમ કલર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનો સમાવેશ થાય છે. પકડાયેલા આ શખ્સો પાસેથી ચોરીમાં ગયેલ 635 મીટર વાયર કિંમત રૂા. 1,27,000, ચાર મોબાઇલ, બાઇક નંબર જી.જે. -12-એ.બી. -7111, જી.જે. -12-બી.ડી.- 7580 એમ કુલ્લ રૂા. 1,77,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સોએ વાયરને કાપી બાદમાં પઠ્ઠા વીડી સીમમાં રેલવે ફાટકથી થોડે દૂર આવેલ એક વાડીના શેઢે બાળવોની ઝાડીમાં આ વાયર સંતાડી દીધા હતા. પકડાયેલા આ પાંચેય શખ્સોને અંજાર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.