ગાંધીધામ-મુંદરા ધોરીમાર્ગને ગાંડા બાવળનું ગ્રહણ લાગ્યું !

વવાર (તા. મુંદરા), તા. 22 : ગાંધીધામ-મુંદરા હાઈવે પર ગાંડા બાવળોએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. મોખા રોડથી ગાંધીધામને જોડતા આ રસ્તા પર બાવળોને કારણે અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે.નાના વાહન ચાલકોને ભયના ઓથાર તળે અહીંથી પસાર થવું પડે છે અને રાત્રે તો આ રસ્તા પર વધુ જોખમ વધી જાય છે ફુલ લાઈટમાં આવતા વાહનો અને સાથે રોડ પર ધસી આવેલા બાવળોને કારણે કયારેક મોટો અકસ્માત સર્જાશે. બાવળોને કારણે આ રસ્તા પર જાનવરો સાથે વાહનની ટક્કર થઈ ચુકી છે. અહીંથી ગાય, ભેંસ, માલધારી વર્ગ બહોળો હોવાને કારણે રોડ ક્રોસ કરતા આ અબોલ જીવો પણ આ ગાંડા બાવળોને કારણે ઘણીવાર ભોગ બની ચુક્યા છે. વાહન ચાલકો તેમજ અહીં ઉદ્યોગો પર પગે ચાલીને જતાં શ્રમિકોની આ માથાના દુ:ખાવા સમાન સમસ્યા પર ધ્યાન દેવામાં આવશે અને તંત્ર વહેલી તકે આ સમસ્યા પર પગલા લઈને બાવળોને કાઢી નાખે જેથી સતત ભયના ઓથાર તળે ચાલતા વાહન ચાલકો અને પગે ચાલતા શ્રમિકો પર જોખમ ટળે તેવી માગણી કરવામાં આવી હતી. (તસવીર : હેવાલ માણેક ગઢવી) 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer