રાજીનામાના દોરથી કચ્છ કોંગ્રેસમાં ચિંતાનાં વાદળ

ભુજ, તા. 22 : નૂપુર શર્માના સમર્થનમાં રેલી કાઢનારા ઝાલાવાડ લોકસભા લડેલા કોંગ્રેસના નેતા સામે પગલાંની માંગ સાથે કચ્છમાં પક્ષના હોદ્દેદારોના રાજીનામાનો દોર આગળ ધપી રહ્યો હોય તેમ આજે ફરી અંદાજે 15 જેટલા પક્ષના હોદ્દેદારોએ રાજીનામું ધરી દેતાં ભારે ચર્ચા જાગી છે.જો કે, પ્રદેશ પ્રમુખે સમર્થનની ઘટના સાચી હશે તો પક્ષના નેતા સામે પગલાં લેવાશે તેવું સ્પષ્ટ કહ્યું હતું.વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો સજ્જ થવા સાથે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. તે વચ્ચે ઈસ્લામ ધર્મ  વિશે આપત્તિજનક નિવેદન કરનારા ભાજપના પ્રવકતા નૂપુર શર્માના સમર્થનમાં ઝાલાવાડથી કોંગ્રેસની બેઠક પર લોકસભા લડનારા પ્રમોદ શર્માએ રેલી કાઢી હોવાથી મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી ફેલાઇ હતી અને જવાબદાર નેતાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ હતી.જો કે, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના મોવડીઓને રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં ન ભરાતાં તેના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને બે દિવસ પહેલાં જ મુસ્લિમ સમાજના અગ્રણી અને   કોંગ્રેસના  પૂર્વ મંત્રી હાજી જુમા રાયમાએ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેમના સમર્થનમાં કચ્છમાંથી પક્ષના હોદેદારોએ રાજીનામા આપ્યા બાદ  આજે ફરી જિલ્લા ઉપપ્રમુખ સહિત 12થી 15 હોદ્દેદારોએ રાજીનામા આપતાં પક્ષમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.આજે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તથા પ્રાથમિક સભ્ય પદેથી હસન રાયમાએ તેમજ તેમની સાથે લખપત તા. સભ્ય તથા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હુશેન રાયમા, ગાંધીધામ શહેર મહામંત્રી લતીફ ખલીફા, ભચાઉના મહામંત્રી ઉમર રાયમા, પૂર્વ મહામંત્રી રમઝાન રાયમા, અંજાર તા. લઘુમતી સમિતિ ઉપ પ્રમુખ ભીખાભાઈ ખલીફા, આરીફ સુલેમાન, ગાંધીધામ તા. લઘુમતી સમિતિ પ્રમુખ સૈયદ સિકંદર બાપુ, જમીલ મેમણ (માંડવી), કાદર ખત્રી (ભુજપર), કાસમ હાલેપોત્રા (રાયધણજર), સુલેમાન હાજી જુસબ (રાપર)એ પણ રાજીનામા આપ્યા હતા.આ બાબતે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો કચ્છમિત્રે સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ઉપરોકત બાબતે કચ્છથી પત્ર આવ્યો છે જે અનુસંધાને તેમણે રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખને પત્ર પાઠવી એ બાબતની તપાસ કરી જો એ વિગતો સાચી હોય તો એક મિનિટ પણ પક્ષમાં ન રાખવા જોઈએ તેમ જણાવી ઉમેર્યું કે, પ્રશ્નો કચ્છના સ્થાનિક છે રાજસ્થાનના નથી. પરંતુ તમામ લોકોની લાગણી ધ્યાને લઈ તેમના ભાગે જે નિર્ણય લેવાનો આવશે તે ચોકકસ લેશે તેમ શ્રી ઠાકોરે ઉમેર્યું હતું. જો કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનો મોડી સાંજ સુધીના પ્રયત્નો છતાં સંપર્ક સાધી શકાયો નહોતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer