સૌથી મોટું 34,615 કરોડનું બેંક કૌભાંડ ખુલ્યું

મુંબઇ, તા. 22 : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને આજે મહારાષ્ટ્રમાં ડીએચએફએલ (દિવાન હાઉસિંગ એન્ડ ફાયનાન્સ લિ.) અને તેના પ્રમોટરો કપિલ વાઘવાન, ધીરજ વાઘવાન, સુધાકર શેટ્ટી તેમજ અન્યો સાથે જોડાયેલા 12 સ્થળો પર રૂા. 34,615 કરોડના બેંક છેતરપિંડી કેસમાં સર્ચ કાર્યવાહી હાથ?ધરી હતી. સમાચારો મુજબ આ દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ છે. આ રકમ એ નિરવ મોદી બેંક છેતરપિંડી કેસ કરતાં લગભગ ત્રણ ગણી છે.ડીએચએફએલ અને તેના પ્રમોટરો કપિલ વાઘવાન, ધિરજ વાઘવાન સામે બેંક છેતરપિંડીનો કેસ નોંધાવ્યા બાદ સીબીઆઇએ મુંબઇમાં તેમના 12 સ્થળો પર દરોડા પાડયા હતા. તેમની સામે આરોપ છે કે તેમણે 17 બેંકમાં 34,615 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સીબીઆઇ આ સૌથી મોટા બેંક ગોટાળાની તપાસ કરે છે અને દરોડાવાળી જગ્યાઓમાં વાઘવાનની કચેરી અને ઘર પણ સમાવિષ્ટ છે.વાઘવાનની સામે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ડીએચએફએલના તત્કાલીન મુખ્ય મેનેજિંગ ડાયરેક્ટર કપિલ વાઘવાન, તત્કાલીન ડાયરેક્ટર ધિરજ વાઘવાન, કારોબારી સુધાકર શેટ્ટી તથા કેટલાક સરકારી કર્મચારીઓએ સાથે મળીને બેંક છેતરપિંડીનું ષડયંત્ર રચ્યું હતું. સીબીઆઇનું કહેવું છે કે, આરોપી યુનિયન બેંકની આગેવાની હેઠળની કન્સોર્ટિયમ બેંકોને 42,871 કરોડ રૂપિયાની લોન આપવા માટે પ્રેરિત કર્યા હતા. એ પછી કન્સોર્ટિયમ ઋણદાતાઓને 34,615 કરોડ રૂા.નું નુકસાન થયું છે. નોંધનીય છે કે, યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર સંબંધમાં વાઘવાન પહેલાંથી જ સીબીઆઇ તપાસના દાયરામાં છે. સીબીઆઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડીએચએફએલના પુસ્તકોમાં દગા સાથે નાણાંના એક મહત્ત્વપૂર્ણ ભાગનો ગોટાળો કરીને દુરુપયોગ કર્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer