ભાજપની ઓચિંતી બેઠકથી અટકળો

અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ગરમાવો વધી રહ્યો છે. તેમાં ગુજરાતમાં ખાસ કરીને શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં હલચલ મચી ગઇ છે. તેવામાં આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યોની બેઠક મળવાની છે. સાંજે 4 કલાકે તમામ ધારાસભ્યોને હાજર રહેવાનુ ફરમાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ યુગ પણ હાજર રહેવાના છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલથી શાળા પ્રવેશોત્સવ પણ શરૂ થઇ રહ્યો છે ત્યારે અચાનક બોલાવવામાં આવેલી બેઠકને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. તેમાં ધારાસભ્યોની સાથે તમામ મંત્રીઓને અને સાંસદોને પણ ઉપસ્થિત રહેવાનુ જણાવવામાં આવ્યુ છે. બી.એલ. સંતોષ ગુજરાતના રાજકારણ સાથે સીધી રીતે જોડાયેલા છે ત્યારે આવતીકાલની આ બેઠક ખૂબ જ મહત્ત્વની બની રહેશે. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું માર્ગદર્શન અને તૈયારીને લઇને મહત્ત્વની ચર્ચા થઇ શકે છે. જો કે  રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન 18 જુલાઇએ છે છતાં અચાનક આવતીકાલે ધારાસભ્યોને તેડું આવતા વર્તમાન રાજકીય સંજોગોમાં ચર્ચા જાગી છે.  એક તર્ક એવો પણ છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન થયા બાદ વહેલી ચૂંટણી માગવામાં આવી શકે છે. સૂત્રોએ કહ્યું કે, પ્રવેશોત્સવમાં સચિવો જવાના હતા તેમને પણ ગાંધીનગર હાજર થવા કહેવામાં આવ્યું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer