લાકડિયા પાસે હિટ એન્ડ રનના બનાવમાં યુવાનનું મોત

રાપર/ભુજ, તા. 22 : પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માત અને અકસ્માત મોતના ચાર બનાવમાં મહિલા સહિત  ચાર જણાના મોત નિપજયા હતાં. ભચાઉ  ધોરીમાર્ગ ઉપર બે  કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારચાલકનું તત્કાળ મોત નિપજયું હતું. જયારે લાકડિયા ફાટક પાસે અજ્ઞાત વાહન હડફેટે બાઈકચાલક યુવાન મદનસિંહ રામાભાઈ મકવાણા (ઉ.વ.18)નો જીવનદિપ બુઝાઈ ગયો હતો. ગાંધીધામ તાલુકાના શિણાયમાં 30 વર્ષિય યુવાન અક્ષય કિશોર આચાર્યએ અને ઘરાણામાં 34 વર્ષિય પરિણીતા મંજુલાબેન કલાભાઈ અખીયાણીએ જ્યારે ભુજમાં 18 વર્ષિય યુવતી યશ્વી ધર્મેન્દ્રભાઇ વ્યાસે ગળેફાંસો ખાઈને જીવાદોરી ટુંકાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભચાઉ ધોરીમાર્ગ ઉપર  માધવ પેટ્રોલ પંપ સામે માર્ગ અકસ્માતનો બનાવ  ગત મોડી રાત્રીના બન્યો હતો.  જી.જે. 37. બછફ 2374 નંબરની અર્ટીકા કારના આરોપી ચાલકે પુરઝડપે કાર દોડાવતા કાર ડીવાઈડર ક્રોસ કરીને આઈસર ગાડી સાથે ટકારાઈ હતી. બે વાહનોની મોભેર ટક્કરથી અર્ટીકા કારના આરોપી ચાલકનું તત્કાળ મોત નીપજયું હતું. જોકે તેના નામ અંગે ફરીયાદીને કોઈ જાણ ન હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ મથક ખાતે માર્ગ અકસ્માતનો બનાવ આજે સવારે 10 વાગ્યાના અરસામાં બન્યો હતો. જનરલ હોસ્પિટલ  પોલીસ ચોકીએથી મળતી પ્રાથમિક વિગતો મુજબ હતભાગી યુવાન બાઈક ઉપર વોંધ તરફ જતો હતો. આ દરમ્યાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને હડફેટે લીધી હતી. હતભાગી યુવાનને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ફરજ ઉપરના તબીબે બપોરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. લાકડીયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગાંધીધામ તાલુકાના શિણાયમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 21ના  સવારે 10 વાગ્યાના અરસામાં  નવકાર ગ્રીન સોસાયટીમાં બન્યો હતો. હતભાગી યુવાને અગમ્ય કારણોસર દુપટ્ટાથી પંખામાં ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુકાવી હતી. ભચાઉ તાલુકાના ઘરાણાના બનાવ અંગે મળતી વિગતો મુજબ હતભાગી  પરિણીતાએ ગત તા. 21ના સવારે 11.30 વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈ ફાની દુનીયાને અલવીદા કહી હતી. બનાવ પછવાડેનું કારણ અકળ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી  વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભુજના પ્રમુખસ્વામી નગર વૃંદાવન ભાટિયા સમાજવાડીની બાજુમાં રહેતી 18 વર્ષિય યુવતી યશ્વી ધર્મેન્દ્રભાઇ ખરાસુંદર વ્યાસે આજે સવારે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લેતા તેના કૌટુંબિક મામા કવલદાન ગઢવી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer