લૂંટના આરોપીના મોત અંગે પોલીસ ઉપર ઊઠતી આંગળી : તપાસની માગણી

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના ખંભરા ગામમાં ધાડના આરોપી તરીકે પકડાયેલા છગન ખીમા ભાભોર નામના આધેડનું જેલમાં મોત થયું હતું. તેના પરિવારએ પોલીસના મારથી તેનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજીબાજુ એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે તેવું ડીવાય.એસ.પી.એ જણાવ્યું હતું. આ પ્રકરણમાં યોગ્ય અને તટસ્થ તપાસ કરવા સંસ્થા, નગરસેવકે માંગ કરી હતી. ખંભરા ગામના વાડીવિસ્તારમાં ધાડના પ્રકરણમાં છગન ખીમા ભાભોરને પોલીસે પડકી પાડયો હતો. અંજાર પોલીસ લોકઅપમાં તેમને માથાંમાં ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા. હોસ્પિટલમાંથી રજા મળતાં તેમને પરત લઈ આવી ગળપાદર જિલ્લા જેલમાં મુકાયા હતા, જ્યાં ગઈકાલે સવારે તેમની તબિયત લથડતાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ આધેડને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ બાદ તેમના પરિવારજનો પોલીસવડાની કચેરીએ ધસી ગયા હતા અને પોલીસના ઢોરમારથી તેમનું મોત થયું હોવાનો આક્ષેપ કરાયો હતો. આ બનાવની તપાસ કરતાં અંજાર ડીવાય. એસ.પી.  એમ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બનાવમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એફ.એસ.એલ. અભિપ્રાય હજુ આવ્યો નથી. તે આવે બાદમાં ખ્યાલ આવશે કે હકીકત શું છે. આ અંગે હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા, કચ્છ જિલ્લા લિગલ સેલ દ્વારા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં છગન ભાભોરના ભાઈ તેમને અંજાર પોલીસ મથકે મળવા ગયા ત્યારે તે એક ખૂણામાં નગ્ન હાલતમાં ઊંધા સૂતા હતા અને તેઓ ચાલી શકે તેમ નહોતા. પોલીસ દ્વારા ઢોરમાર મરાતાં આ આધેડના કપડાં લોહીવાળા થઈ ગયા હતા, જેથી પોલીસે તે કપડાં લઈ લીધા હોવાના આક્ષેપ કરાયા હતા. આધેડના ભાઈએ આ અંગે પૂછરપછ કરતાં તેમને પોલીસ મથકમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. ધાડના આ આરોપીના રિમાન્ડ તા. 20/6ના બપોરે 4 વાગ્યે પૂરા થયા હતા. તેમ છતાં પોલીસે તેમના તા. 19/6ના તેમના વકીલને જાણ કર્યા વગર ન્યાયાધીશ સમક્ષ હાજર કરી જિલ્લા જેલમાં મોકલાવી દીધા હતા.આ પ્રકરણમાં અંજાર પોલીસ મથકના તા. 15/6થી 19/6 સુધીના તમામ સી.સી.ટી.વી.  ફૂટેજ તાત્કાલિક ધોરણે કબ્જે કરવા પોલીસવડા સમક્ષ માંગ કરાઈ હતી. તા. 15/6થી 19/6 સુધીની સ્ટેશન ડાયરીની તમામ નોંધ કબ્જે કરવા, ગળપાદર જિલ્લા જેલમાં આ આધેડનો કબ્જો સોંપવામાં આવ્યો?ત્યારે મરણ જનારની શારીરિક સ્થિતિની તપાસણી કરી ઈજાઓ બાબતે જે નોંધ કરાઈ હતી તે કબ્જે લેવા રામબાગ હોસ્પિટલ તથા અન્ય મેડિકલ આધારો હસ્તગત કરવા, મૃત્યુ પામનારનું ફિટનેસ મેડિકલ પ્રમાણપત્ર મેળવવા વગર, તેમના વકીલને જાણ કર્યા વગર શા માટે ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. તેમનું મોત પોલીસની મારનાં કારણે થયું છે તેવા આક્ષેપ સાથે આ પ્રકરણમાં તટસ્થ તપાસ કરવા માંગ કરાઈ હતી. આ વેળાએ જિલ્લા લિગલ સેલના પ્રમુખ વિનોદકુમાર જી. મકવાણા તથા હિમાંશુ પુરોહિત, રાજનભાઈ ઠક્કર, કાયનાત આથા, પલ્લવીબેન ઠકકર હાજર રહ્યા હતા. ગાંધીધામ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તથા ધારાશાત્રી સમીપ જોશીએ પણ પોલીસવડાને આવેદન આપ્યું હતું અને ગંભીર એવા આ પ્રકરણમાં તટસ્થ, ન્યાયિક, યોગ્ય તપાસની માંગ કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer