માધાપરમાં યુવાન પર છ શખ્સનો પ્રાણઘાતક હુમલો

ભુજ, તા. 22 : માધાપરના યક્ષ મંદિરની સામે ગઇકાલે રાત્રે યુવાન ઉપર છ શખ્સે ધોકા અને છરી વડે પ્રાણઘાતક હુમલો કર્યો  હતો. આ બનાવ અંગે ભુજોડીના ચૈતન્યધામ ખાતે રહેતા કાનજી વેલજી કેરાસિયા (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના 28 વર્ષીય પુત્ર ભાવેશને માધાપરના યક્ષ મંદિરની સામે આરોપી મનીષ રાજગોર તથા તેની સાથેના અજાણ્યા પાંચ શખ્સે જાનથી મારી નાખવાના ઇરાદે પેટ તથા છાતી અને ખભામાં છરીના પાંચથી છ ઘા માર્યા હતા. આ ઉપરાંત ધોકા વડે પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ ભાવેશને રાત્રે તેના મિત્ર નિશાંત આહીરે તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ યુવાન ઉપર ક્યા કારણસર હુમલો થયો હતો તેની વિગતો મળી નથી, પરંતુ અંતરંગ વર્તુળો પાસેથી મળેલી જાણકારી મુજબ આરોપીઓએ ભાવેશને વાતચીત માટે ઘટનાસ્થળે બોલાવ્યો હતો અને ત્યાં તેના પર પ્રાણઘાતક હુમલો થયાની વિગતો મળી છે. બીજી તરફ માધાપર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer