ગાંધીધામમાં ઘરમાંથી 12.70 લાખની ચોરી

ગાંધીધામ, તા. 22 : શહેરના ડી.બી.ઝેડ.-એસ.માં આવેલાએક મકાનમાંથી રૂા. 12,70,000ના સોનાના તથા ડાયમન્ડના દાગીનાની ચોરી થઇ હતી. આ પ્રકરણમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઉપાડયો હોવાના હેવાલ સાંપડયા હતા.શહેરના ડી.બી.ઝેડ. સાઉથના મકાન નંબર 122માં રહેતા તથા મુખ્ય બજારમાં જનતા કલોથ સ્ટોર નામની દુકાન ચલાવતા ઘનશ્યામ કનૈયાલાલ બુલચંદાણી (સિન્ધી)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદી તથા તેમનો પરિવાર અને બાજુમાં રહેતા તેમના બહેન, બનેવી તથા એક ભાણેજ ગત તા. 20/5ના ફરવા માટે ગોવા ગયા હતા. જ્યારે તેમના વડીલો ઘરે હાજર હતા. ગોવાથી આ પરિવારજનો ગત તા. 28/5ના પરત આવી ગયા હતા અને ફરિયાદીના પત્ની રેશ્માબેન જોધપુર ગયા હતા. ત્યાંથી ગત તા. 9/6ના તેઓએ પરત આવી તા. 10/6ના ઘરમાં સાફસફાઇ કરતાં તેમના ઘરમાંથી ચોરી થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ પરિવારે ગોવા ફરવા જવાથી પહેલાં ઘરમાં રહેલા પેટી પલંગમાં સ્કૂલ બેગમાં દાગીના રાખી મુક્યા હતા.આ સ્કૂલ બેગમાંથી ચાર તોલાની સોનાંની ત્રણ પોંચી, 6 તોલાના સોનાંના બે પેન્ડલ, બે તોલાની સોનાંની મોટી ગીની નંગ-પાંચ, બે તોલાની નાની ગીની નંગ-11, દોઢ તોલાની સોનાંની બુટી નંગ-8, પાંચ તોલાના સોનાંના પેન્ડલ નંગ-15, પાંચ તોલાની સોનાંની મોટી વીંટી નંગ બે, 1 તોલાની સોનાંની નાની રિંગ નંગ-1, ચાર તોલાની સોનાંની ચેઇન નંગ-બે, બે નંગ ડાયમન્ડની કાનની બુટી એમ કુલ્લ 12,70,000ના દાગીના ચોરી જવાયા હતા.ગત તા. 20/5થી તા. 10/6 દરમ્યાન બનેલા આ બનાવ અંગે ગઇકાલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી જાણભેદુ મનાતા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઉપાડી લીધો હતો તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું તેમજ આ કિશોરે મોજશોખ માટે આ દાગીના પૈકીના અમુક દાગીના ભારતનગરના એક સોની વેપારીને વેચી માર્યા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. અન્ય દાગીના તેણે ક્યાં વેચ્યા છે અને તેની રકમમાંથી તેણે શું-શું ખરીદ્યું છે તથા તેની અટક કરવા સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer