અંજારમાં બે સ્થળેથી 2.09 લાખનો અખાદ્ય ગોળ ઝડપાયો : તપાસ શરૂ

ગાંધીધામ, તા. 22 : અંજારની યોગેશ્વર ચોકડી પાસે એક ગાડીમાંથી તથા બાદમાં જી.આઇ.ડી.સી.ના એક ગોદામમાંથી એમ કુલરૂા.2,09,825નો અખાદ્ય ગોળનો જથ્થો પોલીસે પકડી પાડયો હતો. આ ગોળના નમૂનાપૃથક્કરણ માટે એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)ની ટીમ અંજારના યોગેશ્વર ચોકડી પાસે હતી તે વેળાએ અહીંથી બોલેરો ગાડી નંબર જી.જે. 24 એક્સ. 1898 નીકળતાં પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. આ વાહનમાંથી અખાદ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો. આ વાહનમાં 2520 કિલો ગોળ મળી આવતાં ચાલક ખુશાલ ખીમજી હડિયા (સોરઠિયા)ની પોલીસે પૂછપરછ કરી હતી. અંજાર જી.આઇ.ડી.સી.માં સર્વે નંબર 475માં ગોદામ નંબર 43-એ, નવકાર ઇન્ડસ્ટ્રીઝના સુરેશ દેવશી સોરઠિયાને ત્યાંથી ગોળનો આ જથ્થો પોતે ભરી લાવ્યો હોવાની કેફિયત આ શખ્સે આપી હતી. જેથી પોલીસે આ નવકાર ઇન્ડસ્ટ્રીઝમાં છાપો માર્યો હતો. આ કંપનીના ગોદામમાંથી પણ અખાદ્ય ગોળની નવ કિલોની 315 તથા ઝબલામાં નવ કિલોની 60 ભેલી, 25 કિલોની ચાર ભેલી એમ કુલ 3475 કિલો ગોળ મળી આવ્યો હતો.આ અખાદ્ય ગોળના નમૂના લઇ પૃથક્કરણ માટે એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા હતા. વાહન થકી અખાદ્ય ગોળનો આ જથ્થો ક્યાં જઇ રહ્યો હતો તે હજુ બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer