કોટડા (ચકાર) પંથકમાં ગૌવંશોમાં રોગ સામે તંત્ર સુષુપ્ત અવસ્થામાં

કોટડા (ચકાર), તા. 22 : આ પંથકમાં રોગને પગલે સાઈઠથી વધુ ગૌવંશનો ભોગ લીધો છે. લોકો ખાનગી દવા-સારવાર કરાવે છે પણ પશુપાલન ખાતું હજુ સુષુપ્ત અવસ્થામાં હોવાની ફરિયાદ ઊઠી છે. આ રોગને માતા ગણી દોરાધાગા કરાવે છે. પશુપાલન ખાતા તરફથી દવા-સારવાર મળે તેવી માલધારીઓમાં માંગ ઉઠી છે. તાલુકાના મોટા-નાના બંદરા ગામોમાં ગૌવંશમાં ફેલાયેલા લમ્પી સ્કીન ડિસીઝ રોગથી ત્રીસેક ગાયોના મોત થયા છે તેમ ભાજપ અગ્રણી જીતુભા જાડેજાએ જણાવી ઉમેર્યું કે, ગામ પાદર અને સીમાડામાં ગૌવંશના મૃતદેહો સડી રહ્યા છે. માલધારીઓની સુમરાવાંઢમાં પણ આ રોગથી પાંચેક ગૌવંશના મોત થયા છે. દૂધ મંડળીના આરબ સુમરા કહે છે કે, ચકાર, જાંબુડી, રેહા ગામે પણ આ રોગે પંદરેક ગૌવંશોને ચપેટમાં લીધા હોવાનું સરપંચ ગેલુભા જાડેજા તેમજ તિલાટ શિવુભા જાડેજાએ કહ્યું હતું. આ પંથકમાં જિલ્લા પંચાયત હસ્તકના ચકાર, રાજપર સહિતના ગામોમાં પશુ દવાખાનાનાં બોર્ડ લાગેલા છે પણ દવા-સારવાર ન હોતાં માલધારીઓ મોંઘીદાટ ખાનગી દવા ખરીદી સારવાર કરાવે છે. પશુપાલન ખાતું તાત્કાલિક ગૌવંશને રસી-દવા, સારવાર આપે-અપાવે તેવી માલધારીઓમાં માંગ ઉઠી છે.   

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer