વોંધ સીમમાં ફરી ગેટકોનાં કેબલ અને સાધનોની તસ્કરી
રાપર, તા. 22 : ભચાઉ તાલુકાના વોંધની સીમમાં ફરી તસ્કરોએ ગેટકોના કેબલ અને સાધનો સહિત લાખથી વધુની કિંમતની ચોરી કરી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ તસ્કરોએ ગત તા.4 જુનના બપોરથી તા. 12 જુનના સવારના અરસામાં કોઈ પણ સમયે ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો.ગેટકો કંપનીના વોંધ અને ભચાઉના લોકેશન નંબર 28-16 થી 28-17 વચ્ચે અને ભચાઉના ટાવર લોકેશન 27-10 થી 27-13 વચ્ચે 3497 મીટર અને 1,432 મીટર વીજ વાયર ચોરી ગયા હતા. તસ્કરો કુલ 4,929 મીટર વાયર અને વાયરને થાંભલા સાથે જોડવાના અલગ અલગ કંપનીના હાર્ડવેર ફીટીંગના સાધનો સહિત 1.50 લાખની મતા ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવની જાણ થયા બાદ કંપનીના ઉચ્ચ અધિકારીઓઅી સૂચના બાદ આજે ભચાઉ પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વોંધ પાસે લાખોની કિંમતના ગેટકોના સાધનો અને કેબલની ચોરીનો બનાવ બન્યો હતો. તેમજ વોંધ પાસે રેલવેના ઈલેકટ્રીક કેબલના વાયરની પણ ચોરી થઈ હતી. કોઈ ચોક્કસ કેબલ ચોર ટોળકી સક્રીય થઈ હોવાનું સમજાઈ રહ્યું છે.