મુંદરામાં શનિવારે લોહાણા મહાજનવાડીનાં નવા સંકુલનું ખાતમુહૂર્ત
મુંદરા, તા. 22 : સમય સાથે તાલ મિલાવતા મુંદરા લોહાણા મહાજન દ્વારા આગામી તા. 25 જૂનના મહાજનવાડીના નવા અદ્યતન સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. માતા શાંતાબેન નરશીરામ ઠક્કર લોહાણા મહાજનવાડીના નવા પરિસર અંગેની વિગતો આપતાં મુંદરા લોહાણા મહાજનના પ્રમુખ કિશોરભાઇ ચોથાણી, પ્રોજેક્ટ ચેરમેન સુરેશભાઈ ઠક્કર તથા સહ પ્રોજેક્ટ ચેરમેન કપિલ કેસરિયાએ જણાવ્યું કે, જ્ઞાતિબંધુઓના પરિવાર અને વસતીમાં થયેલા વધારા સાથે ઓસવાળ ફળિયા સ્થિત મહાજનવાડી સમીપ પાર્કિંગના પેચીદા બનેલા પ્રશ્નને નજર સમક્ષ રાખી લાંબાગાળાનું આયોજન ઘડી કાઢતા મુંદરા-ભુજ ધોરીમાર્ગ પર લક્ષ્મીબેન લાલજી ચોથાણી વાતાનુકૂલિત હોલ, કસ્તુરબેન નારાણજી ચોથાણી પાર્ટી પ્લોટ, વર-વધૂ રૂમ, અન્નપૂર્ણા કક્ષ, કચેરી, લીફટ, જનરેટર સુવિધા, વિશાળ પાર્કિંગની સવલતથી સજ્જ હશે. આ પ્રસંગે સંત ડો. ત્રિકાલદાસજી મહારાજ તથા ચંદુમા આશિર્વચન પાઠવશે. વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યના પ્રમુખસ્થાને યોજાનારા કાર્યક્રમમાં લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઇ વિઠલાણી, સાંસદ મનોજ કોટક, લોહાણા મહાપરિષદના વરિષ્ઠ ઉપપ્રમુખ જિતેન્દ્ર લાલ, અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ બળવંત ઠક્કર, લોહાણા મહાપરિષદના કચ્છ ઝોનના પ્રમુખ કે.સી. ઠક્કર, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ પંકજભાઇ ઠક્કર, પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, અખિલ કચ્છ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ મહેશભાઇ ઠક્કર ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષપદ ભુજ, માંડવી, રાપર, દયાપર, અંજાર, નખત્રાણા, આદિપુર, માધાપર, ગાંધીધામ, ભચાઉ, નલિયા, સામખિયાળી અને ઘાટકોપર લોહાણા મહાજનના પ્રમુખ શોભાવશે. આઠ દાયકા પછી ખુલ્લા વિસ્તારમાં નિર્માણ પામનારી મુંદરાની નૂતન લોહાણા મહાજનવાડી જિલ્લામાં સુવિધાના દૃષ્ટિકોણથી અવ્વલ બની રહેશે. કાર્યક્રમની સફળતા માટે મુંદરા લોહાણા મહાજનના ઉ.પ્ર. હરેશ ઠક્કર, મંત્રી અમુલ ચોથાણી, વસંત ઠક્કર, મયુર કોટક, રાજેશ ચોથાણી તેમજ લોહાણા યુવક મંડળ, મહિલા મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપની મહિલા પાંખના કારોબારી સભ્યો જહેમત લઇ તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યાં છે. મુંદરા મધ્યેની લોહાણા મહાજનવાડીના ખાતમુહૂર્ત પ્રસંગે વિશાળ સંખ્યામાં રઘુવંશી શ્રેષ્ઠીઓ ઉમટી પડશે.