નવીન પ્રયોગોથી શિક્ષણને ધબકતું-ચેતનવંતુ બનાવો

ભુજ, તા. 22 : તાલુકાના નારાણપર ખાતે આવેલી નૂતન સરસ્વતી વિદ્યાલય ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત નૂતન સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક શાળા અને સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયના 30 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી માહિતગાર કરી, આગામી પડકારો સામે સુસજ્જ કરવા મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના માધ્યમથી દ્વિદિવસીય તાલીમ શિબિર યોજાઇ હતી. વર્ગ શિક્ષણ તાજગીસભર, નાવિન્ય, પ્રયોગોથી ધબકતું અને બાળ કેન્દ્રીત હોય, શિક્ષકો પોતાના જ્ઞાનને સતત અપડેટ રાખે અને મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકે તેમજ પ્રવૃત્તિગત શિક્ષણનું સૂત્ર સાકાર બને તેવા આશય સાથે ટ્રસ્ટના પ્રમુખ અરજણભાઇ પીંડોરિયાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સંજયભાઇ ઠાકરના નેતૃત્વ હેઠળ આ તાલીમ શિબિરનું આયોજન હાથ ધરયું હતું.પ્રથમ દિવસે ડાયેટના વ્યાખ્યાતાઓ દ્વારા ત્રણ સેશનમાં તજજ્ઞો તરીકે ડાયટના પ્રાચાર્ય સંજયભાઇ પી. ઠાકર, ડાયટના સિનિયર વ્યાખ્યાતા ડો. દક્ષાબેન જી. મહેતા અને અશ્વિનભાઇ પી. સુથારે આદર્શ શાળા, બાલકેન્દ્રી શિક્ષણ, શૈક્ષણિક રમકડાં અને પપેટ દ્વારા શિક્ષણ વગેરે વિષય ઉપર જ્ઞાન પીરસ્યું હતું. સહાયક વ્યાખ્યાતા  વનરાજસિંહ જાડેજા સાથે રહ્યા હતા. બીજા દિવસે ડો. રક્ષાબેન એચ. ઉપાધ્યાય, ડો. બિંદુબેન આર. પટેલ, ડો. રંજનબેન એચ. પરમાર અને સુનીલભાઇ યાદવે શિક્ષણમાં ટેકનોલોજી અને નાવિન્ય, મૂલ્ય શિક્ષણ અને ભાષાકીય રમકડાં વિગેરે વિષયો પર ચાર સેશન લીધાં હતાં. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, વીડિયો નિદર્શન અને રમતો દ્વારા સમગ્ર તાલીમને રસાળ બનાવાઇ?હતી. સમગ્ર કાર્યક્રમ માટે માધ્યમિક શાળાના આચાર્યા વર્ષાબેન જોષી અને પ્રાથમિક શાળાના આચાર્યા નીલમબેને જહેમત ઊઠાવી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer