તમારું વીજ બિલ અપડેટ કરાવો નહીં તો કનેકશન કપાઈ જશે, હેકરોનું નવું તરકટ

ભુજ, તા. 22 : તમારું પાછલું વીજ બિલ અપડેટ કરાવો નહીં તો આજે રાત્રે જ તમારું કનેકશન કપાઈ જશે તેવા વોટસએપ મારફતે આવતા મેસેજ અને કોલથી સાવધાન રહેવા ભોગ બનનારાઓએ જણાવ્યું હતું.છેલ્લા કેટલાક દિવસથી લોકોને અજાણ્યા નંબર પરથી મેસેજ કરવામાં આવી રહ્યા છે, જેમાં ઉપભોક્તાઓને સંબોધીને સૂચિત કરવામાં આવે છે કે, તમારું પાછલું વીજ બિલ અપડેટ થયું ન હોવાથી નીચે આપેલા નંબર પર કોલ કરો. આ કોલ કર્યા બાદ હિન્દી ભાષામાં સામેથી અમદાવાદ ઓફિસથી બોલનારા વ્યક્તિ દ્વારા વીજ બિલ અપડેટ થયું ન હોવાથી એપ્લીકેશન ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવે છે, આ એપ ડાઉનલોડ કરવાના આગ્રહ સાથે ફોન ચાલુ રાખી, ઓનલાઈન બિલ ભરવાની વિગતો પણ માગવામાં આવે છે જેથી જો કોઈ વ્યક્તિ ઓનલાઈન ભરણાની વિગતો આપે તો તેના ખાતામાંથી રૂપિયા ઉપડી જવાની પૂરેપૂરી સંભાવના હોવાથી કોઈએ એપ ડાઉનલોડ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, વળી જે લોકોને આવા મેસેજ કે કોલ આવ્યા તેમણે સ્થાનિક પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે આવા મેસેજ કે, કોલની કોઈ પ્રક્રિયા કરવામાં આવતી ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer