રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગની અમદાવાદ કચેરીમાં જગ્યા ભરો

ગાંધીધામ, તા. 22 : રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની અમદાવાદ સ્થિત કચેરીમાં લાંબા સમયથી 14 જગ્યા ખાલી પડી છે. પરિણામે અનુ. જાતિ ઉપરના અત્યાચારના બનાવોમાં કોઇ પગલાં લેવાતાં નથી. આથી આ 14 જગ્યા સત્વરે ભરવાની અહીંના મામૈ ભાવના મહેશ્વરી મંડળે માગણી કરી છે.સંસ્થાના પ્રમુખ બલિયા રતનશી ફકીરાએ સાંસદ અને અનુ. જાતિ સંસદીય સમિતિના અધ્યક્ષ ડો. કિરીટભાઇ સોલંકીને એક પત્ર લખી રજૂઆત કરતાં જણાવ્યું છે કે, રાજસ્થાન, ગુજરાત તથા કેન્દ્રશાસિત પ્રદેશો દીવ તથા દાદરાનગર હવેલી માટેના અમદાવાદના કાર્યાલયમાં ડેપ્યુટી ડાયરેક્ટરથી માંડીને ડ્રાઇવર સુધીની 14 જગ્યા લાંબા સમયથી ખાલી છે.એકમાત્ર વર્ગ-3ના કારકૂન સવારે કચેરી ખોલે અને સાંજે બંધ કરે છે.આવું કાર્યાલય શા કામનું છે ? ત્રણ રાજ્યને આવરી લેતી આ કચેરી હોવા છતાં દિન પ્રતિદિન અનુ. જાતિ ઉપર અત્યાચારના બનાવ વધી રહ્યા છે. કોઇ કાનૂની પગલાં આવા કિસ્સામાં લેવાતાં નથી. આથી આ કચેરીની તમામ ખાલી જગ્યાઓ સત્વરે ભરવા અનુરોધ કરાયો છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer