વીજતંત્રના વાંકે જૂના કંડલાની પ્રાથમિક શાળાનાં બાળકો વીજળી વિના ભણે છે !
ગાંધીધામ, તા. 22 : જૂના કંડલાની યુનાઈટેડ સોલ્ટ પંચાયતી પ્રાથમિક શાળામાં ભણતા દોઢસો જેટલા ધો. 1થી 8નાં બાળકો હાલની અસહ્ય ગરમી વચ્ચે વીજતંત્રના વાંકે વીજળી વિના ભણવા માટે મજબૂર બન્યા છે.આ અંગે શાળા આચાર્યએ અંતે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે. જિલ્લા સમાહર્તાને પાઠવાયેલા પત્રમાં જણાવાયા પ્રમાણે શાળાનું વીજમીટર બળી જવાથી પુરવઠો બંધ પડયો હતો. આ અંગે કાસેઝ સ્થિત પીજીવીસીએલ કચેરીને જાણ કરાતાં ગયા ઓક્ટોબર મહિને કોઈ કર્મચારી વીજ જોડાણ કાપીને મીટર લઈ ગયા હતા.નવું મીટર નહીં આવતાં ફરી કાસેઝ કચેરીનો સંપર્ક કરાતાં આ કચેરીએ શાળા તેમનાં કાર્યક્ષેત્રમાં નહીં આવતી હોવાથી પીજીવીસીએલની અન્ય કચેરીનો સંપર્ક કરવા તથા ત્યાંથી નવું જોડાણ લેવા કહેવાયું હતું. નવું જોડાણ લેવા અન્ય કચેરીએ જતાં શાળાની જમીનના આધારો સહિતની વિગતો મગાઈ.કચ્છ જિલ્લા પંચાયત હસ્તકની આ શાળા 1956થી ચાલે છે. વીજ જોડાણ ચાલુ જ હતું અને કાસેઝ પેટા વિભાગ કચેરી હસ્તક જ હતું, હવે અચાનક નવાં જોડાણની નોબત કેમ આવી તે પ્રશ્ન છે. બીજીબાજુ સખત ગરમી વચ્ચે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં શાળામાં બાળકો વીજળી વિના ભણવા મજબૂર બન્યા છે. પીજીવીસીએલ તંત્રને આ સંદર્ભે લગભગ ચારથી પાંચ પત્રો લખાયા છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. જિલ્લા કલેક્ટરને આ પત્રમાં સત્વરે યોગ્ય પગલાં લેવા વિનંતી કરાઈ છે.