અંજારમાં વધારાના પોલીસ મથક માટે રજૂઆત
અંજાર, તા. 22 : આ પંથકમાં ઊંચકાતા જતા ગુનાખોરીના ગ્રાફ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા માટે શહેરમાંવધારાનું એક પોલીસ મથક કાર્યરત કરવારાજ્યના ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી.અંજાર મતવિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહીરની આગેવાની તળેશહેર ભાજપ પ્રમુખ ડેની શાહ, મહામંત્રી દિગંત ધોળકિયા, અશ્વિનભાઈ સોરઠિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, તાલુકામાં આવેલા એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય વર્ગ રોજગારી અર્થે આવ્યો છે. આ વિસ્તારમાં સ્થાનિક પોલીસ મથકમાં ગુનાઓની સંખ્યાનો આંક વધ્યો છે. કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે હાલના પોલીસ મથકને વિભાજિત કરીને અંજાર-એ અને અંજાર-બી પોલીસ મથક બનાવવાની તાતી જરૂરિયાત છે. બે પોલીસ મથકના કારણે પોલીસ કર્મચારીઓની સંખ્યા વધશે અને કાયદાના રક્ષકો ઉપર કામનું ભારણ પણ ઘટશે.આ ઉપરાંત છેલ્લા એક વર્ષથી મેઘપર (બો)માં અલાયદું પોલીસ મથક શરૂ કરવા માટે મંજૂરી મળી છે, પંરતુ કોઈ કારણોસર આ દિશામાં હકારાત્મક પરિણામો મળ્યાં ન હતા. આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા માંગ કરાઈ હતી. શહેરમાં વધારાના સી.સી.ટી.વી. કેમેરા મૂકવા માટે ગ્રાન્ટ ફાળવવા પણ આ પ્રતિનિધિમંડળે અનુરોધ કર્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક પોલીસ માળખાના વિસ્તૃતીકરણ સહિતના મુદ્દે યોગ્ય કરવાની હૈયાધારણ આપી નજીકના દિવસોમાં તેનાં સારાં પરિણામ જોવા મળશે તેવુ ઉમેર્યું હતું.