કચ્છમાં ખેલકૂદનો વિકાસ ? મંજિલ તો હજી ઘણી... દૂર

કચ્છમાં ખેલકૂદનો વિકાસ ? મંજિલ તો હજી ઘણી... દૂર
મુંજાલ સોની દ્વારા -  ભુજ, તા. 24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુંદરા તાલુકાના વાંકી ગામની એક શાળાના વિદ્યાર્થીઓ સાથેના વર્ચ્યુઅલ સંવાદમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણનીતિમાં ખેલકૂદને શિક્ષણનો ભાગ બનાવાયો છે, પણ આ બધી રૂડીરૂપાળી વાતો અને મોટા શહેરોમાં વિકસતી છૂટીછવાઈ મોટી સુવિધાઓ વચ્ચે કચ્છ જિલ્લામાં રમત-ગમતના વિકાસનું વાસ્તવિક ચિત્ર થોડું જુદું જોવાં મળે છે. કોરોનાકાળમાં બંધ થઈ ગયેલી અનેક રમત યોજનાઓ ફરી શરૂ થવાની રાહ જોઈ રહી છે તો માધાપર અને ગાંધીધામના સ્પોર્ટસ કોમ્પલેક્સ પણ નવી સુવિધાઓનો ઈંતેજાર કરી રહ્યા છે. ક્યાંક વહીવટી તંત્રોમાં જુસ્સાનો અભાવ, તો ક્યાંક રાજકીય ઈચ્છાશક્તિની ઉણપો દેખાઈ રહી છે. ગામેગામ મેદાનોની વાતો વચ્ચે 80 ટકા શાળાઓમાં વ્યાયામ શિક્ષકો નથી. રમત-ગમતની સુવિધાઓ સાવ નથી એમ ન કહી શકાય, પણ તેની ધીમી ચાલને પૂરપાટ ગતિમાં ફેરવાશે તો જ પ્રતિભાવંત રમતવીરોને આગળ વધવાનો ટેકો મળશે. - માધાપર ખેલ સંકુલ જર્જરિત, નવી સુવિધાઓની આશા : માધાપરમાં લગભગ ચાર કરોડના ખર્ચે રમત સંકુલ વિકસ્યું ત્યારે જાણે  કચ્છના રમત-ગમતમાં મહત્ત્વનું પરિમાણ ઉમેરાયું હોય એવું લાગતું હતું, પણ અફસોસ... એવું થયું નહીં ! બાસ્કેટબોલ કોર્ટ, હેન્ડબોલ કોર્ટ અને હોલ બિનઉપયોગી હાલતમાં, જર્જરિત છે. પીળાં પાણીની સમસ્યાને પગલે સ્વિમિંગ પુલ બંધ છે. જીમનાં સાધનો ધૂળ ખાય છે. જાળવણીનો અભાવ સ્પષ્ટ દેખાય છે. વળી, રાજ્ય સરકારની ખેલ સ્પર્ધાઓનાં ખાસ આયોજનો પણ અહીં થતાં નથી. જો કે, થોડા સમય પહેલાં માધાપર અને ગાંધીધામ સ્પોર્ટસ કોમ્પલેક્સના નવાં કામો, નવી સુવિધાઓ મંજૂર થઈ છે ત્યારે સ્થિતિ બદલવાની આશા પણ જાગી છે. કચ્છના રમત વિકાસ અધિકારી જિગર દેસાઈનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના રમત સંકુલોના મેઈટેનન્સની જવાબદારી એક અલગ ઈન્સ્પેક્ટરોની ટીમ સંભાળતી હોય છે. અત્યારે બેડમિન્ટન કોર્ટ ચાલુ છે. કુસ્તી-જુડો રમાય છે અને તેના ટ્રેઈનર પણ ઉપલબ્ધ છે. અમે સ્પોર્ટસ ઓથોરિટીનું વારંવાર ધ્યાન દોરતા રહીએ છીએ તેને લીધે જ ઉપરથી પી.આઈ. અને ઈન્જિનીયરોની એક ટીમ થોડા સમય પહેલાં જ નિરીક્ષણ કરી ગઈ છે અને બાઉન્ડ્રી વોલ, 400 મીટરના ગ્રાસી એથ્લેટિક ટ્રેક, પમ્પ રૂમ, હોલનું રિનાવેશન, ફૂટબોલ મેદાન વિકસાવવું, અમુક સ્થળે નવી લાઈટિંગ સહિતની સુવિધાઓ મંજૂર થઈ ગઈ છે. લગભગ આવી જ સુવિધાઓ ગાંધીધામના ખેલ સંકુલમાં પણ વિકસશે અને છ-આઠ મહિનામાં માધાપરનું સ્પોર્ટસ કોમ્પલેક્સ બહુ સારું બની જશે. - સેન્ટર ઓફ એક્સલન્સી  યોજના હાલ ઠપ ! : રાજ્ય સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ બિનનિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર (સેન્ટર ઓફ એક્સલન્સી) યોજના અમલી બનાવાઈ હતી, જેમાં ઉચ્ચસ્તરે ઝળકેલા ખેલાડીઓ પસંદ કરીને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (એસ.એ.જી.) દ્વારા ભોજન ખર્ચ, પ્રવાસ ખર્ચ, સ્ટાઈપેન્ડ, સ્પોર્ટસ કિટ વગેરે મળીને મહિને લગભગ રૂા. 5000ના ભથ્થા અપાતા હતા. કચ્છમાંથી પણ માતૃછાયા શાળા, લેવા પટેલ કન્યા વિદ્યાલય સહિતની શાળાઓના તેમજ અન્ય મળીને 38 ખેલાડીને આ યોજનાનો લાભ અપાતો હતો પણ છેલ્લા ત્રણેક વર્ષથી આ યોજના પણ જાણે બંધ થઈ ગઈ છે. જો કે, જિલ્લા રમત વિકાસ અધિકારીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, કોરોનાકાળને લીધે તેમાં વિઘ્ન સર્જાયું હતું પણ હવે રાજ્યની નવી ખેલનીતિમાં આ યોજનાને આવરી લેવાશે અને તે ફરી શરૂ થઈ જશે. - ખેલકુંભને સારો પ્રતિસાદ : બે વર્ષના અવરોધ બાદ આ વર્ષે પૂર્ણ ખેલકુંભનું આયોજન કરાયું છે. કચ્છમાં ખેલાડીઓએ સારો પ્રતિસાદ આપ્યો હતો અને 1.10 લાખ જેટલું રજિસ્ટ્રેશન થયું હતું. ખેલકુંભનો બીજો તબક્કો ચોથી મેથી શરૂ થયો છે. શાળાકીય રમતોનું આયોજન સંભાળતા જિલ્લા રમત-ગમત અધિકારી રોહિતસિંહ પરમારનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, નવી ખેલનીતિને લઈને સ્પષ્ટ રોડમેપ તો આવ્યો નથી, પણ જિલ્લા સ્તરે રમત-ગમતને પ્રોત્સાહનનો ઉદ્દેશ હશે.જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીમાં આમ તો મુખ્ય અધિકારી ઉપરાંત સિનિયર ક્લાર્ક, ક્લાર્ક અને અન્ય સહાયકો હોવા જોઈએ પણ હાલ એક અધિકારી અને એક કર્મચારી એમ બેનો જ સ્ટાફ છે. જો કે, સાંસ્કૃતિક બાબતોને રમત-ગમતમાંથી અલગ કરવામાં આવી છે અને તેમાં બેનો સ્ટાફ કાર્યરત છે. - ત્રણ વર્ષથી હિલશીલ્ડનું આયોજન થયું નથી ! : જિલ્લાની હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદ હિલશીલ્ડ ક્રિકેટ સ્પર્ધા મહત્ત્વની લેખાતી, પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી તેનું આયોજન જ થયું નથી, પણ સંક્રમણ નહિવત બન્યા પછી પણ તેનું આયોજન કરવાની રમત-ગમત કચેરીએ તસ્દી લીધી નથી. - લાલન કોલેજમાં મોદી સ્ટેડિયમની વાત હવામાં : જાન્યુઆરી 2018માં ભુજમાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ એવી જાહેરાત કરી હતી કે, શહેરની આર.આર. લાલન કોલેજમાં ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ ઘોષણાથી ખેલપ્રેમીઓ ખુશ થયા હતા પણ કડવી વાસ્તવિકતા એ છે કે આજે ચાર વર્ષ પછીયે એવી કોઈ હિલચાલ દેખાતી નથી. - ભાડાનું ખેલ સંકુલ : દિલ્હી (ગાંધીનગર) હજી દૂર છે... : ભાડા દ્વારા ભુજમાં રમત સંકુલની જાહેરાત થઈ પણ લાંબા સમય બાદ પણ આ પ્રોજેક્ટ શરૂ જ થયો નથી. હિલગાર્ડન પાસે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે 2.80 એકર જમીન પર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવાની ઘોષણા થઈ હતી, પણ તેના સ્ટ્રક્ચરલ ડિઝાઈનના નકશા ગાંધીનગર સ્થિત માર્ગ-મકાન વિભાગના ડિઝાઈન સર્કલથી આગળ જ વધ્યા ન હોવાનું જાણવા મળે છે. - ગ્રામ્ય રમત વિકાસ યોજના ક્યારે શરૂ થશે? : ગ્રામ્ય સ્તરે રમતના વિકાસ માટે એસ.એ.જી. દ્વારા ઓક્ટોબર 2020માં રાજ્ય સરકાર દ્વારા યોજના જાહેર કરાઈ હતી, જેમાં પડતર/ફાજલ જમીન પર વિવિધ રમતોનાં મેદાન તૈયાર કરવાનો ઉદ્દેશ હતો. કચ્છમાંથી પણ જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા દસ તાલુકાના બાવીસ ગામની ભલામણ મોકલાઈ હતી, પણ સરકારે રાજ્યભરની આ યોજના માટે 2020-21ના બજેટમાં માત્ર અને માત્ર રૂા. 70 લાખ જ મંજૂર કર્યા હતા. પછી જે થવાનું હતું એ થયું અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એ યોજના રદ કરી હતી.  - સ્પોર્ટસ લીગ : કચ્છની ઝોન વિજેતા ટીમો ઈનામથી વંચિત : સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા અગાઉ સ્પોર્ટસ લીગનું આયોજન કરાતું, જેમાં ઝોન કક્ષાએ વિજેતા ટીમને રૂા. એક લાખ અને બીજા સ્થાને આવનારી ટીમને રૂા. 75000, પછી રાજ્ય કક્ષાએ પ્રથમને રૂા. 6 લાખ, દ્વિતીયને રૂા. ત્રણ લાખ અપાતા. કચ્છ જિલ્લા મા. શિક્ષક સંઘના પ્રમુખ અને જાણીતા વ્યાયામ શિક્ષક મનીષ પટેલ કહે છે કે કોરોના પૂર્વેની ઝોન કક્ષાની ટૂર્નામેન્ટમાં હેન્ડબોલમાં માતૃછાયાની ટીમ વિજેતા થઈ હતી. પછી કોરોના અને લોકડાઉનના લીધે રાજ્ય કક્ષાની સ્પર્ધા રદ કરાઈ, પણ માતૃછાયાની  ટીમને (અને ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાને રહેનારી ભુજની આર.ડી. વરસાણી શાળાને) ઝોન કક્ષાએ જીતનું ઈનામ પણ અપાયું નહીં ! અમે સરકાર સ્તરે રજૂઆતો કરી તો એવો જવાબ મળ્યો કે રાજ્યની સપર્ધા રદ કરાઈ હતી અને જે ટીમ રાજ્યની લીગમાં રમે તેને જ ઝોન કક્ષાનું ઈનામ મળી શકે. - મહિલા ખેલાડીઓને સ્કોલરશિપનો લાભ : રાષ્ટ્રીય કક્ષાએ રમનારી મહિલા ખેલાડીઓ પૈકી રાજ્ય સ્તરે પ્રથમને રૂા. 4800, દ્વિતીયને રૂા. 3600 અને તૃતીયને રૂા. 2400 જે અંતર્ગત અપાય છે એ મહિલા સ્કોલરશિપની યોજના અમલી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે આ યોજના માટેનાં ફોર્મ પણ અપાઈ ગયાં છે. જિગર દેસાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, 2020-21 માટે કચ્છની 43 મહિલા ખેલાડીના ખાતાંમાં રૂા. 1.75 લાખની રકમ જમા પણ થઈ ગઈ છે. - ખાનગી રાહે વિકસતી સુવિધાઓ : કચ્છમાંય ખાનગી રાહે ઘણા સ્થળે સારી સુવિધાઓ વિકસી છે. ભુજમાં જીમખાના સ્પોર્ટસ સેન્ટર અને માસ્ટર્સ ટેનિસ એકેડેમી ખાતે ટેનિસના સારા પાઠ ભણાવાય છે. લાલન કોલેજ સંકુલમાં સ્પીડી ક્રિકેટ એકેડેમી છે, તો ફૂટબોલ માટે આર્ય ફૂટબોલ કલબ કાર્યરત છે. રતનાલ સ્પોર્ટસ કલબ દ્વારા ક્રિકેટની સારી પ્રવૃત્તિઓ થઈ રહી છે. મસ્કા ક્રિકેટ એકેડેમીએ મસ્કામાં સારી સુવિધાઓ વિકસાવી છે. માંડવીમાં ડો. પરાગ મર્દાનિયાની સ્પંદન એકેડેમી  દ્વારા મહત્ત્વની ખેલ પ્રવૃત્તિઓ થાય છે. ગાંધીધામ સંકુલમાં કે.ડી.ટી.ટી.એ. દ્વારા ટી.ટી.નો નોંધપાત્ર વિકાસ કરાયો છે.  - કે.સી.એ. (ભુજ) પાસે હજી પોતાનું મેદાન નથી : કચ્છમાં ક્રિકેટનું સંચાલન કરતી સત્તાવાર સંસ્થા કચ્છ ક્રિકેટ એસોસીએશન (કે.સી.એ.) પાસે પોતાનું અલાયદું મેદાન જ નથી.  કે.સી.એ.ના મંત્રી અતુલ મહેતાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, અમે મિરજાપર રોડ પર જમીન માગી હતી, પણ ગૌચર ભૂમિ હોવાના મુદ્દે એ વસ્તુ શકય ન બની. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને પણ ભુજ અને ગાંધીધામમાં લીઝ પર જમીન માટેની ફાઈલો મગાવી હતી, પણ કોઈ આગળ આવ્યું નહીં. દરમ્યાન, સાંસદ વિનોદ ચાવડાએ પહેલાં કે.સી.એ. માટે સુરલભિટ્ટ પાસે જમીન અપાવવાની તૈયારી કરી હતી, પણ હવે તેમણે નાગોર રોડ પર જમીન સંપાદિત કરવાની વાત કરી છે. જો કે, એ થાય ત્યારે સાચું. - કેરામાં કચ્છની પ્રથમ સેલ્ફ ફાઈનાન્સ સ્પોર્ટસ કોલેજ : કેરા ખાતેના એચ.જે.ડી. ઈન્સ્ટિટયૂટમાં 2020-21થી કચ્છની પ્રથમ સેલ્ફ ફાઈનાન્સ સ્પોર્ટસ કોલેજ શરૂ થઈ ગઈ છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ ઓથોરિટી સાથે એફિલિયેટેડ આ કોલેજમાં બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસ (બી.પી.ઈ.એસ.)નો કોર્સ ચાલુ છે - કચ્છમાં બાર ઈનસ્કૂલ : કચ્છમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા બાર ઈનસ્કૂલ પસંદ કરાઈ છે, જેમાં રાષ્ટ્રીય સ્તરે રમેલા અથવા બી.પી.ઈ.એલ. પાસની કવોલિફિકેશન ધરાવતા હોય એવા રર ટ્રેઈનર કાર્યરત છે. કચ્છના રમતપ્રિય શિક્ષક અને આચાર્ય તેમજ ભાજપના રમત-ગમત સેલના સભ્ય ડો. વિષ્ણુ ચૌધરી કહે છે કે, સરકાર દ્વારા ખેલાડીઓના વિકાસ માટે સારી યોજનાઓ અમલી બની છે. વળી ડી.એલ.એસ.એસ. પણ મહત્ત્વપૂર્ણ છે. જો કે, તાલુકા મથકોએ નહીં દરેક મોટા ગામમાં ઈનસ્કૂલ અને મેદાનના વિકાસ માટેની યોજના પહોંચવી જોઈએ.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer