ભુજ ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની છાત્રા `ઈન્સ્પાયર'' યોજનામાં પસંદ

ભુજ, તા. 24 : રાજ્ય સરકાર છેવાડાના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે અને કારકિર્દી બનાવી શકે તે માટે સતત પ્રયત્નશીલ છે. સરકારી શાળાઓની અત્યાધુનિક માળખાકીય સુવિધાઓનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આનું ઉત્તમ ઉદાહરણ ભુજની સરકારી શાળાના વિદ્યાર્થિની બુચિયા મિત્તલ અરવિંદભાઈએ પૂરું પાડયું છે. ભુજમાં આવેલી સરકારી ઈન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરીને મિત્તલે ધો. 12 સાયન્સમાં સ્વપ્રયત્ને 84.61 ટકા (98.33 પીઆર) મેળવ્યા છે. આ ઉપરાંત ગુજકેટમાં પણ 120માંથી 105.5 ગુણ પ્રાપ્ત કર્યા છે. મિત્તલ બુચિયાના પરિણામની આ ટકાવારીના આધારે રાજ્ય સરકારની ઈન્સપાયર સ્કીમ અંતર્ગત પસંદગી પામ્યા છે. સાયન્સના અભ્યાસક્રમ પછી તેઓને ઉચ્ચ શિક્ષણ માટે આ યોજના અન્વયે પ્રતિ વર્ષ રૂા. 80,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનાની મદદથી મિત્તલ પોતાની આગામી કારકિર્દી ઘડી શકશે. સરકાર દ્વારા યોજના અંતર્ગત ખાસ કરીને ધો. 12 સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓને બેચલર ઓફ સાયન્સના અભ્યાસક્રમ જેવા કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની, ઝુલોજીમાં એડમિશન લેવા માટે ફીના ભાગરૂપે પ્રતિ વર્ષ રૂા. 80,000ની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત જો વિદ્યાર્થી સળંગ પાંચ વર્ષના માસ્ટર ઓફ સાયન્સના ઉપરોક્ત વિષયના કોર્સની પસંદગી કરે તો પાંચ વર્ષ સુધી રૂા. 80,000 પ્રતિ વર્ષ સહાય ચૂકવવામાં આવે છે.જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિએ માહિતી ખાતાની યાદી મારફતે અનુરોધ કરતાં કહ્યું કે, કચ્છની સરકારી તેમજ ગ્રાન્ટ ઈન એડ શાળાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહમાં એડમિશન લઈને આ વર્ષથી શરૂ થનારા જી/નીટના કોચિંગ ક્લાસનો લાભ લઈને વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવે. આમ, રાજ્ય સરકાર છેવાડાના તેજસ્વી વિદ્યાર્થીઓની દરકાર કરી રહી છે અને તેઓ ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણમાં આગળ વધીને પોતાની કારકિર્દી ઘડે તે માટે કટિબદ્ધ છે.